<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

ગેરકાયદે પ્લોટના શિકાર બનેલા જામનગરના ૨૬ કોળી પરિવારો ન્યાય માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા : રાણપરિયા ગેંગ સામે પગલાં લેવા કોળી સેનાની માંગણી: જુઓ વિડીયો

યજ્ઞેશ રાણપરિયાની ગેંગે સરકારી જમીનમાં ખોટા દસ્તાવેજો બનાવી ગરીબ પરિવારોના નાણાં પડાવ્યા બાદ મનપાએ ડીમોલેશન કર્યું? આક્રંદ કરી રહેલા પરિવારોએ આત્મહત્યા કરવાના વારાની ભીતિ વ્યક્ત કરી

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગરમાં રાણપરિયા પરિવારની ગેંગના કારણે પોતાના રહેઠાણ ગુમાવીને રોડ-રસ્તા પર આવી ગયેલા ૨૬ જેટલા કોળી પરિવારના સભ્યો આજે ફરીથી જિલ્લા કલેક્ટર કચેરીએ ન્યાય મેળવવા માટે પહોંચ્યા હતા. કોળી સેનાના પ્રમુખ જીતેશ શિંગાળાની આગેવાનીમાં આ પરિવારોએ રેલી સ્વરૂપે રજૂઆત કરી હતી અને રાણપરિયા ગેંગના ત્રાસમાંથી મુક્તિ અપાવવા તેમજ તમામ જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી હતી.
છેતરપિંડી અને ડીમોલેશનની ઘટના:
 * આ પરિવારો જામનગરમાં મારુ કંસારા હૉલની પાછળના ભાગમાં આવેલી સોસાયટીમાં વસવાટ કરતા હતા.
 * યજ્ઞેશ રતીલાલ રાણપરિયાની ગેંગ દ્વારા સરકારી જગ્યામાં ખોટા દસ્તાવેજોના આધારે ગેરકાયદે પ્લોટ પાડીને આ પરિવારો પાસેથી નાણાં પડાવી લેવાયા હતા. ગેંગે પોતાની જય સરદાર ટ્રેડિંગ કંપનીના નામે જમીન દર્શાવીને ગરીબ પરિવારો સાથે છેતરપિંડી કરી હતી.
 * દરમિયાન, મહાનગરપાલિકા (Mahanagar Palika) દ્વારા ઉપરોક્ત તમામ મકાનોના દબાણો ગેરકાયદેસર હોવાનું જણાવીને તાજેતરમાં ડીમોલેશન (Demolition) કરી દેવાયું હતું, જેના કારણે તમામ ૨૬ ગરીબ પરિવારો બેઘર બની ગયા છે અને હાલ રોડ પર આવી ગયા છે.
પરિવારોનો આક્રંદ અને ભય:
આ પરિવારોએ અગાઉ પણ મહાનગરપાલિકા તેમજ જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ ન્યાય ન મળતા આજે ફરીથી કોળી સેનાની રાહબરી હેઠળ રજૂઆત કરી છે. રસ્તા પર આવી ગયેલા આ પરિવારો રાણપરિયા ગેંગના ત્રાસ અને ધાકધમકીથી મુક્તિ મેળવવા માટે રક્ષણની પણ માંગણી કરી રહ્યા છે.
કોળી પરિવારના સભ્યોના આક્રંદ ભરેલા વીડિયો શહેરમાં વાયરલ થયા છે, જેમાં તેઓ ન્યાય માંગી રહ્યા છે. એક વીડિયોમાં પીડિતોએ ભીંતિ વ્યક્ત કરી હતી કે, શહેરમાં હાલ રાણપરિયા પરિવારનો આત્મવિલોપનનો વિડીયો ફરી રહ્યો છે, પરંતુ હકીકતમાં તો રાણપરિયા ગેંગનો ભોગ બનેલા આ કોળી પરિવારના સભ્યોને ના છૂટકે આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. પીડિતોએ કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ન્યાય અપાવવા વિનંતી કરી છે.

 

(7:33 PM IST)