<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

યાત્રાધામ દ્વારકામાં શરદ પૂનમ નિમિત્તે ભવ્ય રાસોત્સવ: સોમવારે મંદિરના સમયમાં ફેરફાર

રાસોત્સવને ધ્યાને લઈને જગત મંદિર દ્વારકાધીશના દર્શન અને નિત્યક્રમના સમયમાં ફેરફાર કરાયો

યાત્રાધામ દ્વારકા ખાતે શરદ પૂનમની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જોકે, પૂર્ણિમાની તારીખ 7મી ઓક્ટોબરના રોજ છે, પરંતુ રાસોત્સવની ઉજવણી તેના આગલા દિવસે એટલે કે 6ઠ્ઠી ઓક્ટોબર, 2025ના રોજ કરવામાં આવશે.

રાસોત્સવને ધ્યાને લઈને જગત મંદિર દ્વારકાધીશના દર્શન અને નિત્યક્રમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.શરદ પૂનમના આગલા દિવસે એટલે કે 6 ઓક્ટોબરના રોજ દ્વારકાધીશ જગત મંદિરના સમયમાં નીચે મુજબ ફેરફાર કરાયો છે.

મંગલા આરતી: સવારે 6:30 કલાકે મંગલા આરતી કરવામાં આવશે. મંગલા આરતી બાદ મંદિરના સવારથી સાંજ સુધીના તમામ નિત્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે.

6 ઓક્ટોબરના રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં ભવ્ય શરદ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.

ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ 6ઠ્ઠી ઓક્ટોબરના રોજ રાસોત્સવને ધ્યાને લઇને મંદિરના સમયપત્રક મુજબ દર્શનનો લાભ લે.

અગાઉ જન્માષ્ટમી પર્વ વખતે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે એક અગત્યની સૂચના જારી કરવામાં આવી હતી. જેમાં ઘરે બેઠા જન્માષ્ટમીનો પ્રસાદ પહોંચાડવાનો દાવો કરતી 'ઘર મંદિર' નામની એપ્લિકેશનને મંદિર સાથે કોઈ સબંધ ના હોવાનું જણાવવામાં આવ્યું હતુ.

 

(11:08 PM IST)