<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

કચ્છની માંડવી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે બબાલ: પાલિકા પ્રમુખે કોંગ્રેસી કાર્યકરને માર માર્યાનો આક્ષેપ

જિલ્લા કોંગ્રેસના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો, ૨૫ લાખની વસૂલાત સામે કોંગ્રેસની રજૂઆત અંગે ચીફ ઓફિસરના મૌન બાદ પ્રમુખની ચેમ્બરમાં ગરમાગરમી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : કચ્છમાં ભાજપ શાસિત નગરપાલિકાઓ નાગરિક સુવિધાઓ આપવામાં નિષ્ફળતાના કારણે અને ભ્રષ્ટાચારના મુદ્દે લોકોમાં સતત ચર્ચા અને ટીકાનું કારણ બની રહી છે. તે વચ્ચે માંડવીની ભાજપ શાસિત નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપના મુદ્દે કોંગ્રેસી કાર્યકરને માર માર્યાના આરોપ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે કરેલ ફોજદારી કાર્યવાહીની માંગે રાજકીય ગરમાટો સર્જ્યો છે. માંડવીના કોંગ્રેસના કાર્યકર આસિફ સુમરા શહેરના ઓક્સવુડ વિસ્તારમાં ૩૦૦ પાણીના ગેરકાયદે કનેક્શન અને ૨૫ લાખ રૂપિયા વસૂલ્યા વિના ૪૬ હોર્ડિંગ્સ ગેરકાયદે લગાવવાના મુદ્દે રજૂઆત કરવા ગયા હતા. તેમણે મોબાઇલ શૂટિંગ ચાલુ રાખી આ અંગે ચીફ ઓફિસર જીજ્ઞેશ બારોટને રજૂઆત કરી તો તેઓ પ્રમુખ હરેશભાઈ વિંઝોડાની ઓફિસમાં ચાલ્યા ગયા હતા. દરમ્યાન અહીં પણ કોંગ્રેસી કાર્યકર આસિફ સુમરાએ મોબાઇલ શૂટિંગ ચાલુ રાખી પ્રમુખ હરેશભાઈ વિંઝોડાને સવાલો કર્યા હતા. આ દરમ્યાન પાલિકા પ્રમુખે મોબાઇલ ઝુંટવી ફેંકી દીધો હતો અને ઘર્ષણ સાથે ઝપાઝપી, લાફાવાળી થઈ હતી. આ બનાવ દરમ્યાન પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જોકે, મુઢમાર સાથે કોંગ્રેસી કાર્યકર સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હોઈ આ બનાવ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે ભ્રષ્ટાચારની તપાસ કરવાની અને જવાબદારો સામે ફોજદારી ફરિયાદ કરવાની માંગ કરી છે.

(2:38 PM IST)