News of Tuesday, 30th September 2025
શાળાએ જવું હોઇ નાસ્તો લેવા જવા નીકળેલી ધોરણ ૧૦ની છાત્રા માહીનું ટ્રેનની ઠોકરે ચડી જતાં મોત
લોધીકાના ચીભડા ગામની બાળા મોરબી રોડ હડમતીયામાં માસા-માસી સાથે રહી ભણતી હતી

રાજકોટ તા. ૩૦: લોધીકાના ચીભડા ગામે રહેતી અને હાલ રાજકોટ મોરબી હાઇવે પર હડમતીયા ગામે માસાના ઘરે રહી રાજકોટની સ્કૂલમાં અભ્યાસ કરતી ૧૪ વર્ષની છાત્રા ગઇકાલે બપોરે સ્કૂલે જવું હોઇ નાસ્તો લેવા જવા ઘરેથી નીકળ્યા બાદ ટ્રેનની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે. જાણવા મળ્યા મુજબ મોરબી રોડ બીલેશ્વર ફાટક પાસે એક બાળકી ટ્રેન હેઠળ આવી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવની જાણ ૧૦૮ના ડોક્ટર મારફત થતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. પ્રજ્ઞેશભાઇ અને રાઇટર વૈભવભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ મૃત્યુ પામનાર બાળાનું નામ માહી ચંદુભાઇ વાઘેલા (ઉ.વ.૧૪) છે. તેણીના માતા-પિતા લોધીકાના ચીભડા ગામે રહે છે. પોતે હાલ હડમતીયા ગામે માસા ભેગી રહી રાજકોટના પેડક રોડ પર આવેલી મઝહર કન્યા વિદ્યાલયમાં ધોરણ-૧૦માં ભણતી હતી. ગઇકાલે તેણીને સ્કૂલે જવાનું હોઇ નાસ્તો લેવા જવા ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતાં પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતાં. આ દરમિયાન તેની લાશ બીલેશ્વર ફાટક નજીક મળી હતી અને ટ્રેનની ઠોકરે તે આવી ગયાનું ખુલ્યું હતું. માહી એક ભાઇથી મોટી હતી. તેના પિતા ચંદુભાઇ વાઘેલા ખેત મજૂરી કરે છે. દિકરીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જ્યાં બનાવ બન્યો તે ફાટક નજીક તેના ભાભુ પણ રહે છે. નાસ્તો લેવા ગઇ ત્યારે ભાભુના ઘર તરફ જતી વખતે પણ કદાચ આ બનાવ બન્યો હોઇ શકે તેમ પોલીસનું તારણ છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
