<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ:ક્યાંક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ :અનેક ડેમ ઓવરફ્લો :નીચાણવાળા વિસ્તાર એલર્ટ

ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર: શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલાયા :ખોડિયાર ડેમનું લેવલ જાળવવા તેના ૩ દરવાજા દોઢ-દોઢ ફૂટ ખોલ્યા :રાવલ ડેમ ઓવરફ્લો થતા નદીમાં પૂર :સનખડા અને ખત્રીવાડા વચ્ચેનો રોડ બંધ

અમદાવાદ :રવિવારે મોડી રાત્રે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે અને અનેક ડેમ ઓવરફ્લો થયા છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

 ગીર સોમનાથના જામવાળા ગામે આવેલા શિંગોડા ડેમમાં પણ ભારે વરસાદી પાણીની આવક થતા ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે. અગાઉ 1 દરવાજો 0.05 મીટર ખુલ્લો હતો. ડેમમાંથી પાણી છોડાતા ગીરગઢડાના ૨ અને કોડીનારના ૧૦ ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

 

ગીરના જંગલ વિસ્તારમાં થયેલા ૪ ઇંચ વરસાદને કારણે ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક થઈ છે. ડેમનું લેવલ જાળવવા તેના ૩ દરવાજા દોઢ-દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં ૩૩૯૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

 

રાવલ ડેમ પણ ઓવરફ્લો થતા ઉનાના સનખડામાંથી પસાર થતી રાવલ નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાત્રે વ્યાપક વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સનખડા અને ખત્રીવાડા વચ્ચેનો રોડ બંધ થઈ ગયો હોવાથી ખત્રીવાડા ગામ વિખૂટું પડી ગયું છે. હાલ પણ આ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

(12:00 PM IST)