તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th September 2025
સોખડાના પરણેલા ઢગા વિશાલે સગીરાને ફસાવી દેહ પીંખ્યોઃ પછી કહ્યું-તારા માટે થઇ મારુ ઘર થોડુ ભાંગું
હું કુંવારો છું, તારા સમ ખાઇને કહું છું તારી સાથે જ પરણીશઃ ઇન્સ્ટાગ્રામ થકી સગીરાને તે પરણેલો હોવાની ખબર પડતાં કહ્યું-હું મારી પત્નિને પ્રેમ નથી કરતો, એ રીસામણે છે અને છુટાછેડા દેવા છે દિકરીની જિંદગી બગાડનારા શખ્સ વિરૂધ્ધ માતાની બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૬: કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે રહેતાં એક પરણેલા શખ્સે પોતે કુંવારો છે તેમ કહી ૧૭ વર્ષની સગીરાને ફસાવી હું તારી સાથે જ લગ્ન કરવાનો છું, તારા સમ ખાવ છું તેમ કહી તેણીનો દેહ પીંખી લીધો હતો. બાદમાં સગીરાને ઇન્સ્ટાગ્રામ આઇડી મારફત આ તેનો પ્રેમી પરણેલો હોવાની જાણ થતાં પુછતાં તેણે હું મારી ઘરવાળીને પ્રેમ નથી કરતો, એ રિસામણે છે, છુટાછેડા દેવા છે કહી ખોટુ બોલી ફરીથી શરીર સંબંધ બાંધી લીધા બાદ સગીરાના માતા-પિતાએ આ શખ્સને મળીને લગ્ન બાબતે પુછતાં તેણે મારા લગ્ન થઇ ગયા છે, તમારી દિકરી માટે મારુ ઘર થોડુ ભાંગું! તેમ કહી દેતાં પોલીસને જાણ કરાઇ હતી.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ભોગ બનનાર ૧૭ વર્ષની સગીરાના માતાની ફરિયાદ પરથી રાજકોટના નવાગામ નજીકના સોખડા ગામે રહેતાં વિશાલ રામભાઇ મકવાણા વિરૂધ્ધ બળાત્કાર-પોક્સો હઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ભોગ બનનાર બાળાના માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પતિ ગત ૩/૯ના રોજ રિક્ષા લઇને મોરબી રોડ જુના જકાતનાકા પાસેથી નીકળ્યા ત્યારે મારી ૧૭ વર્ષની દિકરીને એક છોકરા સાથે બાઇક પર જતાં જોઇ હતી. આથી મારા પતિએ તેનો પીછો કરી બાઇક ઉભુ રખાવ્યું હતું પરંતુ તેણે બાઇક ઉભુ રાખ્યું નહોતું. આની જાણ મારા પતિએ મને કરી હતી. બાદમાં મેં દિકરીને આ બાબતે પુછતાં તેણીએ સમગ્ર હકિકત જણાવી હતી.
મારી દિકરીએ કહ્યું હતું કે હું કારખાને કામે જતી હતી ત્યાં નજીકમાં વિશાલ મકવાણા નામનો છોકરો વાઇબ્રેટનું કામ કરે છે. વિશાલ ત્રેવીસ વર્ષનો છે. તેની સાથે હું ત્રણ વર્ષ પહેલા સંપકૃમાં આવી હતી. શરૂઆતમાં અમે સામાન્ય વાતચીત કરી હતી. પછી એક બીજાના મોબાઇલ નંબરની આપલે કરી હતી અને વ્હોટ્સએપ પર વાત કરતાં હતાં. બાદમાં અમે એક બીજાના પ્રેમમાં પડયા હતાં. વિશાલને ત્યારે મેં પુછેલુ કે તારા લગ્ ન થયા છે કે કેમ? ત્યારે તેણે પોતે કુંવારો હોવાનું કહ્યું હતું. તેમજ તે મારી સાથે જ લગ્ન કરશે તેમ વારંવાર કહેતો હતો. તેમજ મારા સમ ખાઇને કહ્યું હતું કે હું તારી સાથે જ પરણીશ. આથી મને તેના પર વિશ્વાસ હતો.
આ પછી આજથી દોઢેક વર્ષ પહેલા વિશાલ મને તેના ઓળખીતાની વાડીએ લઇ ગયો હતો ત્યાં મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. આ પછી આજથી પાંચેક મહિના પહેલા તે ફરી સોખડાની એક વાડીએ લઇ ગયો હતો ફરીથી સંબંધ બાંધ્યો હતો. બે મહિના અગાઉ મેં ઇન્સ્ટાગ્રામ આઇડીમાં જોતાં વિશાલ મકવાણાનું આઇડી દેખાયું હતું. તે જોતાં તેમાં તેના એક યુવતિ સાથે ફોટા હતાં. આ યુવતિ કોણ છે તે અંગે વિશાલને પુછતાં તેણે કબુલ્યું હતું કે એ મારી પત્નિ છે. જેથી મેં તેને તારા લગ્ન થઇ ગયા છતાં કેમ મને ખોટુ બોલી લગ્નની લાલચ આપી? તેમ પુછતાં તેણે કહેલું કે હું મારી પત્નિને પ્રેમ કરતો નથી અને તે રિસામણે તેના ઘરે બેઠી છે. હું તેને છુટાછેડા આપીને તારી સાથે લગ્ન કરવાનો છું. આ પછી ગત ૨૮મીએ ઘરે કોઇ ન હોઇ વિશાલ રાતે આવ્યો હતો અને ફરીથી શરીર સંબંધ બાંધ્યા હતાં. હજુ પણ વિશાલ મને અપનાવવા તૈયાર છે અને મારે તેની સાથે જ લગ્ન કરવા છે. જે છોકરાને પપ્પાએ મારી સાથે જોયો તે વિશાલનો મિત્ર છે અને તે મને ઘરે મુકવા આવતો હતો.
આ પછી અમે મારી દિકરી જ્યાં કામે જતી હતી તે કારખાનેદાર મારફત વિશાલ અને તેના પિતાને બોલાવ્યા હતાં. વિશાલને અમે પુછેલુ કે તારે અમારી દિકરી સાથે લગ્ન કરવા છે? ત્યારે તેણે કહેલું કે મારા લગ્ન થઇ ગયા છે, તમારી દિકરી માટે હું મારુ ઘર થોડુ ભાંગી નાંખુ? વિશાલે મારી દિકરીની જિંદગી બગાડી હોઇ અમે અંતે ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં ભોગ બનનાર સગીરાના માતાએ કહેતાં પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારી સહિતે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
