<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

હળવદમાં મકાન અને સ્‍કૂટર પડાવી લેનાર ત્રણ વ્‍યાજખોરોની ધરપકડ

શિક્ષકની મજબૂરીનો લાભ લીધોઃ એક આરોપી ફરાર

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૬: હળવદની હરિદર્શન સોસાયટીમાં રહેતા અને ઘનશ્‍યામગઢ ગામે શિક્ષકની નોકરી કરતા ફરિયાદી રાજેશભાઈ ભીમજીભાઈ પારેજિયા (ઉંમર વર્ષ ૫૨ ); એ ફરિયાદમાં જાહેર કર્યું હતું કે, તેમના મોટાભાઈને લીવર અને કિડનીની ગંભીર બીમારીના ખર્ચને પહોંચી વળવા બે વર્ષ પૂર્વે આરોપી પ્રભુ જહાભાઈ રબારી પાસેથી ૭૦ હજાર ૩૦ ટકા ઉંચા વ્‍યાજે લીધા બાદ વ્‍યાજના ચક્કરમાં ફસાઈ જતા બાદમાં અન્‍ય આરોપીઓ પાસેથી ઉંચા વ્‍યાજે નાણાં લીધા હતા. જેમાં આરોપીઓએ ફરિયાદીનું મોટર સાયકલ તેમજ તેમના પત્‍નીના માલિકીના બે એક્‍ટિવા પડાવી લઈ તેમનું મકાન પડાવી લઈ દસ્‍તાવેજ કરાવી લઈ દર મહિને ૩ હજાર મકાન ભાડું વસુલ કરવામાં આવી રહ્યુ છે. સાથે જ આરોપી પ્રભુ જહાભાઈ રબારીએ  તેમના પુત્રને છરી બતાવી વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરી આરોપીઓએ કોરા ચેક પડાવી લઈ જાનથી મારી નાખવા ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ મની લેન્‍ડર્સ એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

આ બનાવમાં પોલીસે પ્રભુભાઈ જહાભાઈ રબારી,હરદીપ ઉર્ફે મુનાભાઈ સવાભાઈ લાવડીયા અને આરોપી જયદેવ મનહરદાન ગઢવીની ધરપકડ કરી છે. જ્‍યારે ભરત રાણાભાઈ રબારી ફરાર હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઈ આર.ટી. વ્‍યાસ, ડી.વી કાનાણી, પીએસઆઈ કે.એચ અંબારીયા, એએસઆઈ રમેશભાઈ મહાદેવભાઈ, પો.કોન્‍સ. હિતેશભાઈ મહાદેવભાઈ, સુરેશભાઈ પ્રતાપભાઈ સહિતના રોકાયા હતા. 

(10:02 AM IST)