તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
લોધીકાના મોટાવડામાં મનસુખભાઇની ગામના પાદરમાં લાશ મળીઃ કુટુંબી ભાણેજ સુરેશે પતાવી દીધાનો આક્ષેપ
કુટુંબી ભાણેજ સુરેશ સાથે દારૂ પીધા બાદ બોલાચાલી થયા થતાં સુરેશે ધોકો મારી લીધાનું મૃતકના પુત્રનું કથનઃ પોલીસે શકમંદને કપાસના વાવેતર વચ્ચે છુપાયો હોઇ ત્યાંથી ઉઠાવી લઇ પુછતાછ આદરી

મનસુખભાઇ ઉર્ફ કાળુભાઇનો નિષ્પ્રાણ દેહ અને હત્યાનો આક્ષેપ કરનારા પુત્રો જોઇ શકાય છે
રાજકોટ તા. ૨૪: લોધીકા તાબેના મોટાવડા ગામે રહેતાં અને છુટક મજૂરી કરતાં વૃધ્ધની લાશ ગામના પાદરમાંથી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ વૃધ્ધને તેના જ કુટુંબી ભાણેજે ધોકો ફટકારી પતાવી દીધાનો પુત્રએ આક્ષેપ કરતાં પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો. દારૂ પીધા બાદ બંને વચ્ચે ડખ્ખો થતાં મારામારી થયાનો આક્ષેપ કરાયો હોઇ પોલીસ તપાસ કરી રહી છે. જેના પર આક્ષેપ થયો છે એ ભાણેજને પોલીસે હાલ સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ મોટાવડા ગામે રહેતાં મનસુખભાઇ ઉર્ફ કાળાભાઇ ધનાભાઇ મકવાણા (ઉ.વ.૬૦) ગામના પાદરમાં બેભાન પડયા હોવાની જાણ તેના પુત્ર વિશાલ મકવાણાને કોઇ ગ્રામજને કરતાં વિશાલ સહિતના પરિવારજનો ત્યાં દોડી ગયા હતાં. કોઇએ ૧૦૮ પણ બોલાવી હતી. તેના તબિબે મનસુખભાઇ ઉર્ફ કાળુભાઇને મૃત જાહેર કર્યા હતાં.
મૃત્યુ પામનાર મનસુખભાઇ બે બહેનના એકના એક વચેટ ભાઇ હતાં. તેને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. મનસુખભાઇના પત્નિ હયાત નથી. દિકરા વિશાલ મકવાણાએ કહ્યું હતું કે મારા પિતા અને અમારો કુટુંબી ભાણેજ સુરેશ ગામના પાદરમાં ગઇકાલે ભેગા બેઠા હતાં અને કદાચ દારૂ પણ પી ગયા હતાં. આ પછી જુના મનદુઃખને કારણે ભાણેજે મારા પિતાને ધોકો મારી લીધો હતો. તેના કારણે તેમનું મોત થયું છે. હુમલો કર્યા બાદ સુરેશ નજીકની વાડીમાં કપાસ વચ્ચે છુપાઇ ગયો હતો. જેને પોલીસે શોધી કાઢયો હતો. જો કે પોલીસે ખરેખર મનસુખભાઇનું મોત કઇ રીતે થયું? તે જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો. જેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે. (૧૪.૫)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
