તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th September 2025
ભાવનગરમાં ગરીબોના હક પર તરાપ, સરકારી અનાજનો જથ્થો ઝડપાયો
રેશનિંગની દુકાનનો સીધો સંડોવણીનો પર્દાફાશઃઆ ઘટનાએ ગરીબો માટેના સરકારી અનાજનો કેવો દુરુપયોગ થાય છે, તે ફરી એકવાર સાબિત કરી દીધું છે

ભાવનગર,તા.૧૮
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સરકારી અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. મહુવા નજીક મોટા આસરાણા ગામ પાસે પોલીસે એક શંકાસ્પદ ગાડીને અટકાવી હતી.
ગાડીની તલાશી લેતા તેમાંથી રેશનિંગનું સરકારી અનાજ મળી આવ્યું હતું. આ જથ્થામાં ૪૯ કટ્ટા ઘઉં અને ૯ કટ્ટા ચોખાનો સમાવેશ થાય છે. આ કૌભાંડમાં કુલ રૃ. ૨.૬૨ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ ગરીબો માટેના સરકારી અનાજનો કેવો દુરુપયોગ થાય છે, તે ફરી એકવાર સાબિત કરી દીધું છે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉભી થઈ છે.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ સરકારી અનાજનો જથ્થો પ્રશાંતપરી ગોસ્વામી નામના શખ્સની રેશનિંગની દુકાનનો હતો. પોલીસ દ્વારા ગાડી ઝડપી પાડવામાં આવતા સરકારી અનાજની હેરાફેરીનું મોટું રેકેટ ખુલ્લું પડ્યું છે. સામાન્ય રીતે, આ અનાજ ગરીબ અને જરૃરિયાતમંદ પરિવારોને સસ્તા ભાવે મળવાનું હોય છે, પરંતુ અહીં તેનો ગેરકાયદેસર રીતે વેપાર થઈ રહ્યો હતો. આ પ્રકારના કૌભાંડો ગરીબોના હક છીનવી રહ્યા છે, અને સમાજમાં ભ્રષ્ટાચારનું મૂળ કેટલું ઊંડું છે તે દર્શાવે છે.
આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકો માંગ કરી રહ્યા છે કે માત્ર અનાજનો જથ્થો જપ્ત કરવાથી કશું નહીં થાય, પરંતુ આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાવા જોઈએ. આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ જેથી આવા કાળા કારોબારમાં સંડોવાયેલા અન્ય લોકો પણ પકડાઈ શકે. આ કૌભાંડ ગરીબ પરિવારો સાથે થયેલી છેતરપિંડી છે, અને જવાબદાર લોકો સામે દાખલારૃપ કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા કૌભાંડો અટકાવી શકાય.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
