News of Wednesday, 17th September 2025
સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન રદ!
અનેક ખેડૂતોએ ઠાલવ્યો આક્રોશઃમોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને રોષ ઠાલવ્યો, મગફળીનો પાક ઉભો હોવા થતાં રજિસ્ટ્રેશન રદના મેસેજ

રાજકોટ, તા.૧૭
રાજકોટના જસદણ પંથકમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈ-સમૃદ્ધ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવનારા મોટી સંખ્યામાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેમના ખેતરમાં મગફળીનો પાક ઉભો હોવા છતાં સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા તેમના રજિસ્ટ્રેશન રદ થયા છે.
મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે સરકારે જાહેર કરેલા નિયમોમાં હવે ૮૦ હજાર ખેડૂતોએ જાતે પરીક્ષા આપવી પડશે અને સાબિત કરવું પડશે કે ખેતરમાં મગફળી હતી, આ માટે ૮૦ હજાર ખેડૂતોનું એક જિલ્લા પ્રમાણે એક લિસ્ટ બન્યું છે. જે ખેતીવાડી અધિકારીઓને પહોંચાડી દેવાયું છે આ સિવાય ખેડૂતોને પણ મેસેજ કરાયા છે. ઘણા ખેડૂતોની બુમરાણ છે કે તેમને પ્રોસેસ સંપૂર્ણ કરી હોવા છતાં રજિસ્ટ્રેશન ફેલના મેસેજ આવ્યા છે.
ગુજરાતમાં ખરીફ સિઝનમાં બીજા નંબરના ખરીફ પાક મગફળીના ભાવ બજારમાં ટેકાથી પણ નીચા છે. ખેડૂતો મગફળીનું વેચાણ ટેકાના ભાવે કરવા માટે પડાપડી કરી રહ્યાં છે. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે આ વર્ષે નિયમો કડક બનાવ્યા છે. જેને પગલે પ્રથમ રાઉન્ડમાં ૮૦ હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન ફેલ ગયા છે. ગુજરાતમાં ૪૦થી ૫૦ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાના અંદાજો મૂકાયા છે. ચાલુ ખરીફ સીઝનમાં મગફળી માટે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર થયેલ નોંધણીમાં ખેડૂતોએ મગફળી પાક દર્શાવેલ સર્વે નંબરમાં ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ આધારિત વાવેતર સાથે વેરીફીકેશન કરવામાં આવી રહ્યું છે.
જેમાં તા.૦૮.૦૯.૨૦૨૫ સુધીની નોંધણીના ડેટા તા.૧૬.૦૯.૨૦૨૫ સુધીમાં થયેલ ડિજિટલ કોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી કરતાં રાજ્યના કુલ ૮૦,૨૦૫ ખેડુતોના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળ્યો નથી. જેની જિલ્લાવાર સંખ્યા અને ખેડૂતોની યાદી (Excel) આ સાથે બનાવી સરકારે ખેતીવાડી અધિકારીઓને મોકલી આપી છે અને સૂચના આપી છે કે જે માટે નીચે મુજબની કાર્યવાહી કરવાની થાય છે.
(૧) ઉકત કુલ ૮૦,૨૦૫ ખેડૂતોના નોંધણી હેઠળના સર્વે નંબરમાં ગામના સર્વેયર મારફત ૧૦૦ % DCS ની કામગીરી અગ્રિતમા ધોરણે દિન-૭ માં પૂર્ણ થાય તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
(૨) નોંધણીમાં દર્શાવલ સર્વે નંબર માટે ખેડૂત જાતે સેલ્ફ સર્વે માટે Play Store પરથી Digital Crop Survey-Gujarat એપ ડાઉનલોડ કરી ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશે. જે માટે ખેડુતોમાં પ્રચાર પ્રસાર કરવો. જેની ખેડુતોને તાલીમ માટે રાજ્ય લેવલે તા.૧૭.૦૯.૨૦૨૫ ના રોજ બપોરે ૧૨.૦૦ થી ૧.૦૦ દરમિયાન બાયસેગ વંદે ગુજરાત ચેનલ-૪ મારફતે સેટકોમ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેની આપના જિલ્લાના સર્વેયરો તેમજ ખેડૂતોમાં પ્રચાર-પ્રસાર માટે ઘટતી કાર્યવાહી કરવાની રહેશે.
સરકારે ખરીફ ૨૦૨૫-૨૬ સીઝન દરમિયાન પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) અંતર્ગત મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઈન નોંધણીની મુદત વધારી છે.
કેન્દ્ર સરકારની નોડલ એજન્સી નાફેડ દ્વારા સંચાલિત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતો હવે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી નોંધણી કરાવી શકશે. ખેડૂતો માટે નોંધણીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.
ખેડૂતો ત્રણ રીતે નોંધણી કરાવી શકે છે. તેઓ જાતે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરી શકે છે. ગામમાં આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો પર વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર્સ (VCE) મારફતે નોંધણી કરાવી શકે છે. વધુમાં, ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ દ્વારા પણ નોંધણીની સુવિધા ઉપલબ્ધ છે. ભારત સરકારે ખરીફ સીઝનમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે મગફળી માટે રૃ.૭૨૬૩, મગ માટે રૃ.૮૭૬૮, અડદ માટે રૃ.૭૮૦૦ તથા સોયાબિન માટે રૃ.૫૩૨૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કરવામાં આવેલ છે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
