તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th September 2025
લોધિકા તાલુકામાં વિકાસના દાવા પોકળ સાબિત થયા : લોધિકા - ચાંદલી - પીપરડી માર્ગ જર્જરિત બનતા વાહનચાલકો પરેશાન : જુઓ વિડીયો
રોડ પર ઠેર-ઠેર ખાડા પડ્યા : કોઝવેને કારણે વાહનવ્યવહાર ઠપ થતાં હાલાકી : સ્થાનિક આગેવાનો દ્વારા ગાળાવાળા પુલ અને રોડના સમારકામની વારંવાર રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય

સલીમ વલોરા દ્વારા, લોધિકા: રાજ્ય સરકાર દ્વારા ચારે તરફ વિકાસની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે લોધિકા તાલુકાના રોડ-રસ્તાની બિસ્માર હાલત જોઈને લાગે છે કે અહીં વિકાસ પહોંચ્યો જ નથી. તાલુકાના અનેક રસ્તાઓ અત્યંત જર્જરિત થઈ ગયા છે, જેમાં લોધિકાથી ચાંદલી-પીપરડીને જોડતો મુખ્ય માર્ગ સૌથી ખરાબ હાલતમાં છે. આ રોડ પર વાહન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે અને અકસ્માતોનું જોખમ પણ વધ્યું છે.
આ અંગે પીપરડીના પૂર્વ સરપંચ સાવજુભા જાડેજા અને ચાંદલીના મોહનભાઈ ખૂંટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ રોડ પહેલેથી જ ખરાબ હતો અને વરસાદને કારણે તેની હાલત વધુ કફોડી બની છે. રોડ પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પરથી ગોંડલથી કાલાવડ તરફ જતા અને લોધિકા, ચાંદલી, જેતકુબા, ડાંગરવાડા, પીપરડી ગામના વાહનોની પણ અવરજવર રહે છે.
રોડની બિસ્માર હાલત ઉપરાંત, કોઝવેની સમસ્યા પણ મોટી છે. લોધિકા પાસે ફોફળ નદી અને ચાંદલી પાસેના વોંકળા પર કોઝવે બનાવવામાં આવ્યા છે. ચોમાસામાં નદીમાં ઘોડાપૂર આવતા આ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે વાહનવ્યવહાર કલાકો સુધી થંભી જાય છે. આનાથી માત્ર વાહનચાલકો જ નહીં, પણ ખેતરોમાં કામ કરવા જતા ખેડૂતોની દૈનિક કામગીરી પણ ખોરવાઈ જાય છે.
સ્થાનિકો દ્વારા કોઝવેના સ્થાને ગાળાવાળા પુલ બનાવવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. લોકોની માંગ છે કે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે, જેથી વાહનચાલકો અને સ્થાનિકોને રાહત મળી શકે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
