તા. ૧૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૨ મંગળવાર
News of Friday, 12th September 2025
૮૦માં વર્ષમાં પ્રવેશ કરતાં, સદા યુવા વિચારોના વાહક સાહિત્યકાર-પત્રકાર ડો. વિષ્ણુ પંડયા ઉપર અભિનંદન વર્ષા

મીડિયા અને સાહિત્યમાં ‘પદ્મ શ્રી' સન્માન મેળવીને ગુજરાતને ગૌરવ અપાવનાર ડો. વિષ્ણુ પંડ્યા આગામી ૧૪ સપ્ટેમ્બરે ૮૦મા વર્ષમાં પ્રવેશ કરશે. તેમની તેજીલી કલમ અને ઇતિહાસ-સંશોધન ગુજરાતની અસ્મિતાનો રાષ્ટ્રીય સ્તરે પરિચય આપે છે.
માણાવદરમાં શ્રી ત્રિભુવનભાઈ પંડ્યા અને માતા સંતોષબહેનને ત્યાં તેમનો જન્મ ૧૪ સપ્ટેમ્બર, ૧૯૪૫ના રોજ (હિન્દુ પંચાંગ મુજબ વિક્રમ સંવત ૨૦૦૦, રાધા અષ્ટમી) થયો હતો. તેમણે માણાવદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દ્વારકા, નડિયાદ અને અમદાવાદમાં અભ્યાસ કરીને સ્નાતકની પદવી મેળવી. વર્ષ ૨૦૧૮માં ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડી.લિટની માનદ પદવી એનાયત કરી, અને ૨૦૧૭માં તેમને રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીના હસ્તે ભારતનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન ઙ્કપદ્મશ્રીઙ્ઘ એનાયત કરવામાં આવ્યું. તેઓ સાહિત્ય અને પત્રકારત્વના અધ્યાપક પણ રહી ચૂક્યા છે. માત્ર બાવીસ વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રવાદી સાપ્તાહિક ‘‘સાધના''ના તંત્રી બન્યા, અને ૧૯૭૫૭૬ની આંતરિક કટોકટી અને સેન્સરશીપ સામે સંઘર્ષ કરવા બદલ તેમને એક વર્ષ સુધી અટકાયતી ધારા ‘‘મિસા'' (મેન્ટેનન્સ ઓફ ઇન્ટર્નલ સિક્યુરિટી એક્ટ) હેઠળ કારાવાસ વેઠવો પડ્યો હતો.
તેમના અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે. આ પુસ્તકોમાં ‘મિસાવાસ્યમ' અને ‘મિસાવાસીની જેલ ડાયરી' એ કટોકટી સમયની દસ્તાવેજી વિગતો રજૂ કરે છે.
‘મિસાવાસ્યમ'નું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જ. પટેલ, ન્યાયમૂર્તિ એસ.એચ. શેઠ અને કવિ-પત્રકાર હરીન્દ્ર દવેએ કર્યું હતું, જ્યારે ‘મિસાવાસીની જેલ ડાયરી'ને ૨૬ જૂન, ૨૦૨૫ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા લોકાર્પિત કરાઈ હતી.
ડો. વિષ્ણુ પંડ્યાના ખ્યાતિપ્રાપ્ત પુસ્તકોમાં ‘આપણાં અટલ જી', સ્વામી વિવેકાનંદની ગુજરાત યાત્રા પરની નવલકથા ‘ઉત્તિષ્ઠ, ગુજરાત', નેતાજી સુભાષચંદ્ર બોઝના રશિયન જેલમાં વીતેલા દિવસોને આલેખતી નવલકથા ‘અંતિમ અધ્યાય', અને ‘હું, સનાતન'નો સમાવેશ થાય છે.
તેમણે અને તેમનાં સ્વર્ગસ્થ ધર્મપત્ની ડો. આરતી પંડ્યાએ ગુજરાત અને દેશના અજાણ્યા ક્રાંતિકારીઓ વિષે ૧૫ પુસ્તકો લખ્યા છે. ‘પંડિત શ્યામજી કૃષ્ણવર્મા : ક્રાંતિની શોધમાં', ‘ગુજરાતઃ ૧૮૫૭', ‘રંગ દે બસંતી ચોલા', ‘જય હિન્દ!', અને ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો' જેવાં પુસ્તકો ઇતિહાસની અજાણી બાજુઓ ઉજાગર કરે છે.
તાજેતરમાં હિન્દી-અંગ્રેજીમાં પ્રકાશિત થયેલા તેમના બે ગ્રંથો ‘લંડન મેં ઇંડિયન સોશ્યોલોજિસ્ટ' પヘમિના ઇતિહાસ-સંશોધકોનું પણ ધ્યાન ખેંચી રહ્યા છે.
તેમણે રાજકીય સમીક્ષા, વૈશ્વિક અને ભારત-ગુજરાતનું પત્રકારત્વ, નિબંધ, કવિતા અને ચરિત્ર લેખનનાં પુસ્તકો પણ આપ્યાં છે.
તેમના ૧૬૦ પુસ્તકોમાંથી પાંચ હિન્દી અને બે મરાઠી ભાષામાં છે. ગુજરાતી અને હિન્દીના ખ્યાતનામ દૈનિકો અને સામયિકોમાં તેમના લેખો નિયમિતપણે પ્રકાશિત થાય છે.
તેમણે અટલ બિહારી વાજપેયી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર દસ્તાવેજી ફિલ્મો પણ બનાવી છે. હાલમાં તેઓ શ્યામજી કૃષ્ણવર્મા અને કટોકટી પરની ફિલ્મોને માર્ગદર્શન આપી રહ્યા છે.
ડો. વિષ્ણુ પંડ્યા ૨૦૧૭થી ૨૦૨૩ સુધી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહ્યા. તેમના પ્રયત્નોથી, તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ‘ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવન'નું નિર્માણ કરાવ્યું હતું. અંતરિયાળ ગામડાં સુધી સાહિત્યને પહોંચાડવાનો યશ અકાદમીના અધ્યક્ષ તરીકે તેમને જાય છે. હાલમાં તેઓ ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્રના અધ્યક્ષ તરીકે માનદ સેવા આપી રહ્યા છે.
આગામી દિવસોમાં તેમની સ્મૃતિકથા ‘વ્યક્ત અવ્યક્ત' પણ પ્રકાશિત થશે.
૮૦ માં જન્મદિવસની પૂર્વ સંધ્યાથી જ તેમના ઉપર ચારે દિશાથી અભિનંદન વર્ષા થઈ રહી છે. (સંપર્કઃ ૯૪૨૭૮ ૦૪૭૨૨)
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
