<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

વિસાવદરના જાંબુથાળાના ઝેરી દવા પીધેલ બન્ને માલધારી સારવારમાં

જાંબુથાળાની કઠણાઈઃ પોલીસ સ્‍ટેશન વિસાવદર, મામલતદાર મેંદરડા, વિધાનસભા બેઠક તાલાળા..!! સેટલમેન્‍ટના અન્‍ય કોઈ ગામમાં તંત્રનો આવો ત્રાસ નથી, અત્‍યાચાર નહીં અટકે તો ઉપવાસ આંદોલન અને મતદાન બહિષ્‍કાર

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૨: વિસાવદરનિ જાંબુથાળામાં કહેવાતા વનતંત્રના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતના પ્રયાસ મુદ્દે ત્‍યાંના માલધારીઓએ રોષભેર ડીસીએફ,મામલતદાર સહિતનાઓને આવેદનપત્ર આપીને હેરાનગતિ બંધ કરાવવા માંગ કરી છે.જો વનતંત્રનો ત્રાસ બંધ નહી થાય તો માલધારીઓ દ્વારા મતદાનનો બહિષ્‍કાર કરી આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.

જાંબુથાળાના લોકોને પોલીસ સ્‍ટેશન વિસાવદર, વિધાનસભા બેઠક માટેનું મતદાન તાલાળા અને મામલતદાર કચેરી મેંદરડા આમ અલગ-અલગ તાલુકાઓ વચ્‍ચે ભટકવું પડે છે. માલધારીઓ અને ખેડૂતો પોતાના પરિવારના ગુજરાન માટેના છેડા માંડ ભેગા કરી રહ્યા છે તેવામાં વનતંત્રના અધિકારીઓ કહેવાતા ખોટી રીતે ત્રાસ ગુજારી નોટિસો આપી રૂબરૂ આવી ધમકાવતા હોવાની ફરિયાદ ઉઠી છે. લોકોનું કહેવું છે કે ગીરમાં કુલ ૧૪ સેટલમેન્‍ટના ગામ છે, એકપણ સેટલમેન્‍ટના ગામમાં વનતંત્રનો આટલી હદે ત્રાસ નથી. વન વિભાગ દ્વારા જાંબુથાળામાંથી માલધારી અને ખેડૂતોને બહાર કાઢવાના ઈરાદે કરવામાં આવે છે તેવો આક્ષેપ કરાઇ રહ્યો છે. આવી અનેક સમસ્‍યાઓનો સામનો કરતા જાંબુથાળાના લોકોએ અનેકવાર રજુઆત કરી હોવાછતાં કોઈપરિણામ આવતું નથી. આજે મુખ્‍યમંત્રી,ગળહમંત્રી, વનમંત્રી સહિતનાઓને ડીસીએફ અને મામલતદાર મારફત આવેદનપત્ર આપી યોગ્‍ય નિરાકરણની માંગ કરી છે.

(12:32 PM IST)