તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
વિસાવદર વન વિભાગની એસીએફ કચેરીમાં બનેલી ઘટનાઃ ત્રાસથી જાંબુથાળાના માલધારી અને ખેડૂતે ઝેર ગટગટાવ્યું
મેંદરડા રેન્જના જાંબુથાળા સેટલમેન્ટ ગામમાં બહારથી પશુ લાવી ચરિયાણના મુદ્દે નોટિસ આપવામાં આવતાં બનાવ બન્યો : ભારે ચકચાર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૦ : વન વિભાગના કથિત ત્રાસના કારણે ગીરના બે માલધારીઓએ વિસાવદર એસીએફની કચેરી ખાતે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. મેંદરડા (ડેડકડી) રેન્જના જાંબુથાળા સેટલમેન્ટ ગામના માલધારીને જંગલમાં વધારાના માલઢોર ચરીયાણ માટે લઈ જતા હોવાથી બહાર નીકળી જવા માટેની વનતંત્રએ નોટિસ આપી હતી, જ્યારે ત્યાંના એક ખેડૂતને વધારાના માલઢોર જંગલમાં ચરીયાણ માટે લઈ જતા હોવાથી બહાર નીકળવા માટે સૂચના આપી હતી. આ બનાવથી લાગી આવવાથી બંને વ્યક્તિએ ઝેર પી લેતાં સારવાર માટે ખસેડાયા છે.
જાંબુથાળા નેસમાં વસવાટ કરતા બે માલધારીએ વનવિભાગના ત્રાસ થી દવા ગટગટાવી હોવાનો આક્ષેપ કર્યો છે.
હાલ તો આ બંનેને સારવાર માટે જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મેંદરડા ડેડકડી રેન્જમાં જાંબુથાળા સેટલમેન્ટનું ગામ છે અહીં વનવિભાગ દ્રારા ગ્રામજનોને હેરાનગતિ કરાતી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે જ ગામના ફિરોજભાઈએ જણાવ્યું હતું કે વનવિભાગે કહ્યું હતું કે તમારૂ બધું અહીં બિનકાયદેસર છે અને પશુઓ પણ બિનકાયદેસર ચરાવી રહ્યાં છો અને સાંજ સુધીમાં તમારા માલઢોરને તમારી માલિકી વાળા વિસ્તારમાં લઈ લેજો નહિતર તમારા ઢાંળીયા સાફ કરી નાખીશું. જેથી આગેવાનોને બોલાવી રજૂઆત કરવા માટે ગયા હતા જો કે તેમને કહ્યું હતું કે તેમને મોકલો મારે તેમની સાથે વાત કરવી છે. જોંકે અંતે રજૂઆત કોઈએ ન સાંભળતા હનીફ બ્લોચ અને સલીમ બ્લોચે કચેરીમાં જ દવા ગટગટાવી લીધી હતી. જેથી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.હાલ આ બંનેને સારવાર માટે જૂનાગઢ સીવીલમાં ખસેડવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય એ છે કે, છેલ્લા ઘણા સમયથી સેટલમેન્ટના અમુક ગામોમાં નિયમોનાં કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. જેથી આ તમામ પ્રશ્નોનો વહેલી તકે હલ કરવામાં આવે એવી માંગ પણ આ વિસ્તારનાં લોકોમાંથી ઉઠવા પામી છે.
સામતભાઈ ગઢવી રહે.રાજપરા વાળાએ જણાવ્યું હતું કે મને ફોન આવ્યો જે અહીં વનવિભાગ દ્રારા અમને હેરાન કરવામાં આવે છે જેથી હું અહી આવ્યો અને અમે બધા રજૂઆત કરવા માટે ગયા હતા પરંતુ રજૂઆત સાંભળવામાં ન આવી હોય જેથી બનાવ બન્યો છે જેમના માટે જવાબદાર અધિકારીઓ જ છે. આ અંગે ફિરોજભાઈએ કહ્યું હતું કે અમે અહીં ૧૦૦ વર્ષથી વસવાટ કરીએ છીએ અમારા જન્મ તારીખના દાખલા, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ બધું જ છે અમારા બાપપ્રદાદાએ મસવાડીના પાસ પણ કઢાવ્યા હતા પણ વારસા એન્ટ્રી થઈ નથી અને અમને વનવિભાગ દ્રારા સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે.જેથી ત્રાસમાંથી મુક્તિ આપવાની માંગણી કરી હતી.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
