તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
રાજકોટના લોધીડાની સીમમાં ઇકોની ઠોકરે બાઇક ચડતાં દંપતિને ઇજાઃ ૪ માસના રોહિત સોલંકીનું મોત
મુળ એમપીનો પરિવાર ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છેઃ ગામમાંથી વાડીએ જતી વખતે બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૦: વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક મૃત્યુ થયું છે. રાજકોટના સરધાર નજીકના લોધીડા ગામની સીમમાં ઇકો કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં બાઇક પર સવાર દંપતિ અને ૪ મહિનાનો પુત્ર ફંગોળાઇ જતાં ત્રણેયને ઇજાઓ થઇ હતી. સારવાર માટે રાજકોટ ખસેડાયા બાદ માસુમ નવજાત દિકરાનું મોત થયું હતું. પિતાને પ્રાથમિક સારવાર અપાઇ હતી અને અને બાળકની માતાને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ લોધીડા ગામે રહેતો શંભુ જોતીયાભાઇ સોલંકી (ઉ.વ.૩૫) નામનો યુવાન ગઇકાલે પોતાના બાઇકમાં પત્નિ સુમીત્રાદેવી (ઉ.વ.૨૮)ને અને પુત્ર રોહિત (ઉ.૪ મહિના)ને બેસાડી લોધીડા ગામમાંથી સીમ વિસ્તારમાં આવેલી વાડીએ જતો હતો ત્યારે ગામની સીમમાં તેનું બાઇક ઇકો કારની ઠોકરે ચડી જતાં ત્રણેય રોડ પર ફંગોળાઇ જતાં નાની મોટી ઇજાઓ થઇ હતી.
સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં શંભુ સોલંકીને સામાન્ય ઇજા થઇ હોઇ પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્યારે તેની પત્નિ સુમિત્રાદેવીને પગમાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ દિકરા રોહિતનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં કલ્પાંત સર્જાયો હતો. શંભુના કહેવા મુજબ પોતે મુળ એમપીના ધાર જીલ્લાનો વતની છે. અહિ ભાગીયુ રાખી ખેત મજૂરી કરે છે. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ જાણ કરતાં આજીડેમ પોલીસે લોધીડામાં જ રહેતાં ઇકો કારના ચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
