તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 10th September 2025
ચોટીલા નજીક ઠલવાતા વેસ્ટ કેમીકલની કંપની સીલ કરવા હુકમ
પ્રાંત અધિકારીએ લોકોની ફરિયાદ બાદ તપાસ કરી લીધા કડક પગલા

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૧૦: ચોટીલા તાલુકાનાં સુરૈઇ ગામની સીમમાં એક કેમિકલ વેસ્ટ ડંપીંગ કરવાની સાઇટ અમદાવાદની ખાનગી કંપની સંચાલિત બનાવવામાં આવેલ કેટલાક વર્ષોથી ઠલવાતા વેસ્ટને કારણે ભુગર્ભ જળ ને ખૂબ મોટી અસર પહોંચતા લોકોમાં ભારે વિરોધ સર્જાયો હતો અને રજૂઆત બાદ ચોટીલા પ્રાંત દ્વારા કડક કાર્યવાહી સાથે કંપનીને સીલ મારવાનો હુકમ કરાતા લોકોએ હાશકારો લીધો છે.
મળતી માહિતી મુજબ ચોટીલા નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી.મકવાણા વર્ની ઇન્વાયરો કેર લીમીટેડ દ્વારા ઠલવાતા હાનિકારક રસાયણ ડમ્પીંગના કારણે આજુ બાજુના ગામોને મોટા પ્રમાણમાં નુકશાન થતુ હોવાથી કં૫નીને સીલ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
કં૫ની દ્વારા સર્વે નંબર ૨૮૩ વાળી જમીનમાં એક મોટો સેડ બનાવવામાં આવેલ છે, જે સેડમાં અલગ અલગ શહેરો જેવા કે વડોદરા, કચ્છ, અમદાવાદથી ખુબ જ દુર્ગંઘ વાળુ હાનિકારક વેસ્ટેજ કેમિકલ ડમ્પરો દ્વારા લાવી અને તે સ્થળ ઉ૫ર ડમ્પીગ કરે છે જે હાનિકારક કેમિકલ બોરવેલ દ્વારા ભુર્ગભ જળમાં ફેકી દેવામાં આવે છે.
કંપની દ્વારા આવુ હાનિકારક રસાયણ ડમ્પીંગના કારણે આજુબાજુના ગામો જેવા કે સુરૈઇ, મોટા-હરણીયા, નાનીયાણી, ઝું૫ડા મેવાસા વિગેરે ગામોમાં પીવાના પાણી અને સીંચાઇના પાણી પ્રદુષિત થવાના કારણે ઘણી બઘી આડઅસરો અને ખેડુતોને મોટા પ્રમાણમાં નુકશાન થાય છે.
તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રીપોર્ટમાં BOD/COD પેરામીટરનું પ્રમાણ ખુબ જ મોટા પ્રમાણમાં છે જેનાથી ભુર્ગભ જળ દુષિત થાય છે, ઉકત તમામ હકિકત તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રીપોર્ટને ઘ્યાનમાં લઇ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણા દ્વારા કં૫નીને સીલ મારવા હુકમ કરવામાં આવ્યો છે.
થોડા સમય પહેલા જ સુરૈઇ અને આસપાસના ગામોનાં લોકોએ એક બેઠક યોજી સરકાર સમક્ષ આડ અસરો અને થયેલ નુકસાન અંગે રજૂઆત કરી બંધ કરાવવા માગણી સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તંત્ર દ્વારા કડક કાર્યવાહી અને હુકમ થતા આસપાસના અનેક ગામોના ખેડૂતો અને રહીશોમાં હાશકારો થયો છે. (તસ્વીરઃ હેમલ શાહ)
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
