News of Thursday, 4th September 2025
મોડીરાત્રે જામ ખંભાળીયા પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા: નીચાણવાળા વિસ્તારો જેવા કે નગરનાકા અને રામનાથ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા

દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મોડી રાત્રે મેઘરાજાએ મહેર વરસાવી છે. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોએ ગરમી તથા ઉકળાટમાંથી રાહતનો અનુભવ કર્યો છે
મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું. થોડા જ સમયમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું અને જોતજોતામાં ધોધમાર વરસાદ શરૂ થયો. ભારે વરસાદના કારણે ખંભાળીયા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે નગરનાકા અને રામનાથ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા
વરસાદના વિરામને કારણે ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત હતા. પરંતુ આ વરસાદે તેમની ચિંતા દૂર કરી છે. આ વરસાદ પાક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ખાસ કરીને જે પાકને પાણીની તાત્કાલિક જરૂર હતી. આ વરસાદથી જમીનના તળ પણ ઊંચા આવશે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
