<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

ઓબીસી અનામત વર્ગીકરણની માંગ સાથે કોડીનાર તાલુકા કોળી સમાજ દ્વારા આવેદન

કોડીનાર તા.૨: સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (OBC) માટે અનામત વર્ગીકરણની માંગ સાથે સમસ્‍ત કોડીનાર તાલુકા કોળી સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

કોળી સમાજે જણાવ્‍યું કે ઓબીસી અનામતમાં કોળી-ઠાકોર સહિતની અનેક જાતિઓને વસ્‍તીના પ્રમાણમાં પૂરતો લાભ મળતો નથી, જેના કારણે આ સમાજ શિક્ષણ અને સામાજિક રીતે પછાત રહી ગયો છે. આવેદનપત્રમાં સમાજે બંધારણીય જોગવાઈઓ અને અનામતના ઇતિહાસનો ઉલ્લેખ કરતાં જણાવ્‍યું કે, બંધારણની કલમ ૧૫(૪), ૧૬(૪) અને ૩૪૦ હેઠળ પછાત વર્ગોને પ્રતિનિધિત્‍વ આપવાની વાત કરવામાં આવી છે, પરંતુ હાલની વ્‍યવસ્‍થામાં તેનો યોગ્‍ય અમલ થતો નથી. હાલમાં ઓબીસીમાં ૧૪૬થી વધુ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે, જેના કારણે મૂળ પછાત જ્ઞાતિઓ અનામતના લાભથી વંચિત રહી જાય છે.

કોળી સમાજે તાત્‍કાલિક ઓબીસી અનામત વર્ગીકરણ માટે કમિટીની રચના કરવાની માંગ કરી છે. જો આ માંગણી સ્‍વીકારવામાં નહીં આવે તો, આગામી સમયમાં કોળી-ઠાકોર સમાજ અને અન્‍ય પછાત વર્ગો ગાંધીનગર સત્‍યાગ્રહ છાવણી ખાતે ગાંધી ચીંધ્‍યા માર્ગે જન આંદોલન ચલાવશે તેવી ચીમકી પણ ઉચ્‍ચારી છે. આવેદનપત્ર આપવા સમયે મોટી સંખ્‍યામાં કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. 

(10:10 AM IST)