<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

મોરબીના નેશનલ હાઇવે પર ફૂટ ઓવરબ્રિજના કામને કારણે પાણી ભરાવવાની સમસ્યા:લોકોને ભારે હાલાકી

હાલાકીને દૂર કરવા માટે આંદોલન કરીને રોડ ચક્કાજામ કરવો પડશે પછી જ તંત્રની આંખ ખુલશે કે તે પહેલા કામ કરશે તે તો સમય જ બતાવશે.

મોરબીઃ જિલ્લાની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઇવેના સર્વિસ રોડની બાજુમાંથી જ વરસાદી પાણીના નિકાલની જગ્યા ખુલ્લી રાખવામાં આવી હતી. તો પણ વરસાદી પાણી ભરાતું હતું. તેવામાં ફૂટ ઓવરબ્રિજનું કામ વર્ષ 2020માં ચાલુ કરવામાં આવ્યું હતું. તેના પિલ્લર વરસાદી પાણી માટે ખુલ્લી રાખવામાં આવેલી કેનાલમાં ઊભા કરવામાં આવ્યા છે. જેથી વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે અને લોકોને હેરાન થવું પડે છે. તે માટે સ્થાનિક વેપારીઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, મકનસર પાસે જે રીતે લોકોએ વરસાદી પાણીનો નિકાલ શરૂ કરવા માટે આંદોલન કર્યું હતું તેવું આંદોલન અહીં પણ કરવું પડશે કે તે પહેલા તંત્રની આંખ ખુલશે.

સરકાર દ્વારા લોકોની સુવિધામાં વધારો થાય તેના માટે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા આપવા આવતા હોય છે. પરંતુ આયોજન વગરના કામ થતા હોવાથી લોકોની સુવિધામાં વધારો થાય તેના કરતાં વધુ દુવિધામાં વધારો થતો હોય તેવો જ ઘાટ મોરબીમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર જોવા મળ્યો છે. મોરબીમાં વર્ષો પહેલા જ્યારે નેશનલ હાઈવેને બનાવવામાં આવ્યો હતો, ત્યારે મુખ્ય માર્ગ અને તેની બાજુમાં સર્વિસ રોડ અને ત્યાર બાદ વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તે માટે થઈને ખુલ્લી કેનાલ જેવી ગટર મૂકવામાં આવી હતી. જેના માધ્યમથી દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી રસ્તા ઉપરથી પસાર થઈ જતું હતું.

વર્ષ 2020માં નેશનલ હાઈવે ઉપર ફૂટ ઓવરબ્રિજ એટલે કે ચાલીને જઈ શકાય તે માટેનો પુલ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ પુલ બનાવવાનું કામ આજની તારીખે પણ પૂર્ણ કરવામાં આવ્યું નથી. જો કે, આ સર્વિસ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી કેનાલ જેવી ગટર હતી. તેમાં ફૂટ ઓવરબ્રિજના પિલ્લર ઊભા કરી નાંખવામાં આવ્યા છે. જેથી વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. વરસાદ બંધ થઈ જાય પછી એક સપ્તાહ સુધી ત્યાં વરસાદી પાણી ભરયેલું રહે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. તો પણ લોકોની આ દુવિધા તંત્રને દેખાતી નથી અને વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ જવાથી આજની તારીખે પણ વરસાદી પાણી મુખ્ય માર્ગ ઉપર અને સર્વિસ રોડ પર ભરાય છે.

  અત્રે ઉલેખનીય છે કે, સર્વિસ રોડ અને મુખ્ય રોડ વરસાદી પાણી ભરાયેલા રહેવાના લીધે તૂટી જાય છે અને ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો નથી. જેથી તેનો ઉપયોગ થતો નથી. ત્યારે મોરબીના મકનસર ગામ પાસે જે રીતે લોકોએ સર્વિસ રોડ ઉપર ભરતા પાણીનો નિકાલ કરવા માટે આંદોલન કરીને બે કલાક સુધી નેશનલ હાઇવે રોડને ચક્કાજામ કર્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય દોડી આવ્યા હતા અને તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે પાંચ વર્ષ પછી પણ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો નથી ત્યાં લોકોને વરસાદી પાણી રોડ ઉપર ભરાવથી પડતી હાલાકીને દૂર કરવા માટે આંદોલન કરીને રોડ ચક્કાજામ કરવો પડશે પછી જ તંત્રની આંખ ખુલશે કે તે પહેલા કામ કરશે તે તો સમય જ બતાવશે.

(12:32 AM IST)