તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
પોરબંદર : દેશી રમતોનો રાષ્ટ્રીય રમતગમત દિનની ઉજવણીમાં સમાવેશને અર્જુનભાઇ દ્વારા આવકાર
રમતગમત દિનની ઉજવણીમાં પરંપરાગત રમતોનો રંગ જામ્યોઃ ઉત્સાહભેર નગરજનો જોડાયા

પોરબંદર, તા., ૧: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર-પોરબંદર તથા જેસીઆઈ પોરબંદર પ્લસના સંયુક્ત ઉપક્રમે ચોપાટી ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નાગરિકો, અધિકારીઓ અને પદાધિકારીઓએ પરંપરાગત રમતોમાં ભાગ લઈને ભારતીય દેશી રમતોને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ પ્રસંગે જણાવ્યું કે, ભારતીય પરંપરાગત રમતો રમવા માટે કોઈ મોટો ખર્ચ આવતો નથી. ભમરડા જેવી રમકડાં તો ગામડાની ધરતી પરથી જ બને છે. અને પરંપરાગત રમતોને જીવંત રાખવા અપીલ કરી હતી. અને રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીમાં દેશી રમતોને સામેલ કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી અને આવકારેલ હતી.
જેસીઆઈ પોરબંદર પ્લસના ફાઉન્ડર તથા પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, પરંપરાગત રમતોને ઉજવણીમાં સામેલ કરવી એ ભુલાઈ ગયેલી રમતોને પુનર્જીવિત કરવાનો ઙ્કયત્ન છે.
રમત ગમત ઉજવણી કાર્યક્રમમાં સંગીત ખુરશી, લાકડી બેલેન્સ, કમર રિંગ, ડિસ ફેરવવી, રસ્સા ખેચ, લંગડી, ફેર ફૂદડી, ખો-ખો, દોરી કુદવી, કોથળા દોડ, ભમરડા, લીંબુ સમચી જેવી રમતો રમાડવામાં આવી. ટેકનિકલ સહયોગ રામ સી સ્વિમિંગ ક્લબ મેમ્બર દ્વારા આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકો, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ અને વિવિધ અગ્રણીઓએ પરંપરાગત રમતોમાં જોડાઈને ભુલાયેલી રમતોને ફરી જીવંત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
