તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
થાનગઢ નગરપાલિકાના મહિલા સદસ્યના દિકરા જેન્તીભાઇ ચાવડા પર છરીથી હુમલોઃ ગંભીર ઇજા
અમારા ઘરના છેડા સુધી રોડ કેમ ન બનાવ્યો? કહી માથાકુટ કરવામાં આવી ગામના જ ઉદય, કેતન ઉર્ફ લાલો અને દેવજી તૂટી પડયાઃ યુવાન રાજકોટમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૯: ચોટીલાના થાનગઢમાં નગરપાલિકાના મહિલા સદસ્યના દિકરા પર ગામના જ ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરી પેટમાં ઘા મારી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે. મંજૂર થયેલા રોડના કામ બાબતે આ ત્રણેયએ ડખ્ખો કર્યો હતો. અમારાના છેડા સુધી રોડ કેમ ન બન્યો? કહી ડખ્ખો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ થાનગઢના આંબેડકરનગર-૩માં રહેતાં જેન્તીભાઇ રામજીભાઇ ચાવડા (ઉ.વ.૩૫) નામના યુવાન રાતે દસેક વાગ્યે ઘર પાસે હતાં ત્યારે ગામના જ ઉદય, કેતન ઉર્ફ લાલો અને દેવજીએ આવી ઝઘડો કરી માર મારી પેટમાં છરીના ઘા મારી દેતાં જન્તીભાઇ લોહીલુહાણ થઇ ઢળી પડયા હતાં. દેકારો થતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. જેન્તીભાઇને થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ અને પ્રકાશભાઇએ થાન પોલીસને જાણ કરી હતી.
જેન્તીભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં મોટા છે અને સંતાનમાં બે દિકરી તથા એક દિકરો છે. તે કારખાનામાં મજૂરી કરે છે. ગંભીર ઇજા પહોંચી હોઇ તત્કાળ તબિબોએ ઓપરેશન હાથ ધર્યુ હતું. પરિવારજનોના કહેવા મુજબ જેન્તીભાઇના માતા લીલાબેન રામજીભાઇ ચાવડા થાન નગરપાલિકાના ભાજપના સદસ્ય છે. ગામમાં રોડનું કામ મંજુર થયું હોઇ તે મુજબ રોડ બનાવાયો હતો. હુમલો કરનારાના ઘરના છેડા સુધીનો રોડ મંજુર ન થયો હોઇ જ્યાં સુધીની મંજુરી હતી ત્યાં સુધી જ રોડ બન્યો હતો. આથી આ લોકો ઉશ્કેરાઇ ગયા હતાં અને લીલાબેનની ઘરે ઝઘડો કરવા આવ્યા હતાં. અમારા ઘરના છેડા સુધી ફરીથી રોડ બનાવી દેવો પડશે કહી ઝઘડો કર્યો હતો અને ગાળાગાળી ચાલુ કરી હતી. જેન્તીભાઇએ તેમને ગાળો બોલવાની અને ઝઘડો કરવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ છરીના ઘા ઝીંકી દેવાયા હતાં. થાન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
