<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

તરણેતરના મેળામાં સહેલાણીઓ સાથે ગઠીયા પર ઉતરી પડયાઃ ચારને બેભાન કરી સોનાના ઠોરીયા ઉતારી લીધા

રોકડ પણ ગાયબઃ જામકલ્‍યાણપુરના નંદાણી ગામના રાણાભાઇ ડાભી, મેવાસા ગામના દેવાભાઇ વરવારીયા, પાટણના કાનાભાઇ ભરવાડને સારવાર માટે દાખલ કરવા પડયાઃ પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૯: થાનગઢના તરણેતરમાં યોજાતો ભાતીગળ મેળો દેશ વિદેશમાં સુવિખ્‍યાત છે. અહિ દર વર્ષે લાખો લોકો ફરવા આવે છે અને ભાતીગળ સંસ્‍કૃતિથી પીરચીત બને છે. આ વખતે યોજાયેલા મેળામાં સહેલાણીઓની સાથે સાથે ચોર ગઠીયા પણ  ઉતરી પડયા છે. લેભાગુ લૂંટારી ગેંગે પાંચ જેટલા લોકોને કોઇ ઘેની પદાર્થ પીવડાવી કે સુંઘાડી બેભાન કરી રોકડ, દાગીના ચોરી લેતાં ચકચાર મચી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ જામકલ્‍યાણપુરના નંદાણી રાણાભાઇ ઉજીભાઇ ડાભી (ઉ.વ.૫૬) નામના સતવારા પ્રોૈઢ ગઇકાલે તરણેતરના મેળામાં બેભાન થઇ જતાં સાંજે તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. મોડી રાતે તેઓ થોડા ભાનમાં આવ્‍યા ત્‍યારે જણાવ્‍યું હતું કે પોતે મેળામાં ફરવા અને ઘોડાની રમત જોવા ગયા હતાં. આ વખતે ત્રણેક શખ્‍સો સતત તેથી આગળ પાછળ ફરતા હતાં અને અવાર-નવાર ચા-પાણી-નાસ્‍તાની સલાહ કરતાં હતાં. દરમિયાન તેમને બીડી પણ પીવડાવી હતી. એ પછી તેઓ બેભાન થઇ ગયા હતાં અને ભાનમાં આવ્‍યા ત્‍યારે હોસ્‍પિટલમાં હતાં. તેમના કાનમાંથી દોઢ તોલા સોનાના ઠોરીયા ગાયબ હોઇ ગઠીયા ઉતારી ગયાનું જણાયું હતું. રાણાભાઇ મજૂરી કરીગુજરાન ચલાવે છે.

આ ઉપરામાં કલ્‍યાણપુરના મેવાસા ગામના દેવાભાઇ રાજશીભાઇ વરવારીયા (ઉ.વ.૬૫) પણ તરણેતરના મેળામાં બેભાન થઇ જતાં થાન સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. તેમના કાનમાંથી પત સોનાના ત્રણ તોલાના ઠોરીયા અને ખિસ્‍સામાંથી છ હજાર રોકડા ગાયબ હતાં. તેમજ પાટણના દાતીસણ ગામના કાનાભાઇ રમુભાઇ ભરવાડ (ઉ.વ.૫૦) ગઇકાલે સવારે તરણેતર મેળામાં બેભાન થઇ જતાં થાન હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તેમના કાનમાંથી પણ સોનાનું ઠોરીયુ અને ખિસ્‍સામાંથી રોકડ ગાયબ હતાં. આ રીતે અનય બે લોકો પણ ભોગ બન્‍યા હતાં. લેભાગુ ટોળકીએ કોઇ ઘેની પદાર્થ પીવડાવી, સુંઘાડી બેભાન કરી ચોરીઓ કરી હોઇ પોલીસે તપાસ શરૂ કરી હતી. (

(11:47 AM IST)