<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

જય ચાવંડ ટીમ્બર નામની ફેક્ટરીમાં ભીષણ આગથી ભારે દોડધામ મચી

પાંચ ફેરા કરીને ફાયર ફાઈટરની મદદથી આગને બુઝાવી :ફાયર બ્રિગેડની ટુકડીએ સતત પાંચ કલાકની જહેમત લઈને આશરે પાંચ જેટલા પાણીના ટેન્કરનું ફાયરિંગ કરીને આગને કાબુમાં લઈ લીધી હતી

જામનગર , તા.૨૩

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલી એક ટિમ્બર ફેક્ટરીમાં ગત મોડી રાત્રે અકસ્માતે આગ લાગી હતી, અને આગે ભીષણ સ્વરૃપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડની ટુકડીએ સતત પાંચ કલાકની જહેમત લઈને આશરે પાંચ જેટલા પાણીના ટેક્નરનું ફાયરિંગ કરીને આગને કાબુમાં લઈ લીધી હતી, અને વધુ નુકસાની થતી અટકાવી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગત મોડી રાત્રે આશરે ૦૨:૪૫ આસપાસ જામનગર શહેરના ઠેબા ચોકડી વિસ્તાર નજીક આવેલી *જય ચાવંડ ટીમ્બર* નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. લાકડાના કૃષિ સાધનો બનાવતી આ ફેક્ટરીમાં આગ લાગતાં થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું. જેમાં આ ફેક્ટરીમાં મોટુ નુકસાન થયું હોવાની શક્યતા છે.

*જય ચાવંડ ટીમ્બર* નામની ફેક્ટરીમાં આગ લાગતાં જ આસપાસના વિસ્તારોમાં અફડાતફડી નો માહોલ જોવા મળ્યો હતો. તેમજ દૂર-દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આ ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ધોરણે જામનગર ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. ભારે જહેમત બાદ જામનગર ફાયર બ્રિગેડની ટીમે અલગ-અલગ ૩ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે સદનશીબે આવડી મોટી દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ફાયર ઓફિસર કામિલ મહેતા કુલ ૧૨ જેટલા ફાયર ફાઇટરના જવાનોની ટીમ સાથે મોડી રાત્રે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને આશરે જુદા-જુદા પાણીના પાંચ ફેરા કરીને ફાયર ફાઈટરની મદદથી આગને બુઝાવી હતી, અને લગભગ ચાર કલાકથી વધુ સમય સુધી આ કામગીરી ચાલી હતી. ફાયર શાખાની સમય સૂચકતા ના કારણે લાકડાનો અન્ય મોટો જથ્થો બચાવી લીધો હતો. ફેક્ટરીના માલિક પિયુષભાઈ ગોહિલ દ્વારા નુકસાની અંગેની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

 

(10:23 PM IST)