તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
જૂનાગઢમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: દામોદર કુંડમાં પૂર આવ્યા: જૂનાગઢમાં બે ઇંચ સહિત જિલ્લામાં એક થી ત્રણ ઈંચ વરસાદ પડ્યો

જૂનાગઢ: લાંબા વિરામ બાદ આજે જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. આ ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેનાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારથી જ આકાશ વાદળછાયું હતું અને બપોર પછી વરસાદનું જોર વધ્યું હતું. શહેરના મધુરમ, ઝાંઝરડા રોડ, જોશીપરા, દાતાર રોડ, કાળવા ચોક, અને એમ.જી. રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. કેટલાક સ્થળોએ ગોઠણડૂબ પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો.
આજે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને બફારાથી રાહત મળી. જોકે, ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે, કારણ કે સતત વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
જૂનાગઢમાં આજે બપોર પછી ધમધોકાર વરસાદ પડી ગયો..સાંજે ૬ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસતા દામોદર કુંડમાં પૂર આવ્યું. બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો. જુનાગઢ જિલ્લામાં રાત્રે ૮ સુધીમાં એક થી ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે. વંથલી ૧, જુનાગઢ ૨, કેશોદ ૧, માંગરોળ ૧, માળિયા હાટીના ૩, માણાવદર ૧ ઈંચ પડી ગયો છે. (વિનુ જોશી જુનાગઢ અકિલા)
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
