News of Sunday, 17th August 2025
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં મૂળ રાજસ્થાની યુવકની લૂંટના ઈરાદે હત્યા: હાથ-પગ બાંધીને હત્યા કરી ફરાર
સીસીટીવીનુ ડીવીઆર પણ ગાયબ હોય જેથી પ્રથમ દ્રષ્ટિએ લૂંટ કરી હત્યા કરી હોવાનું અનુમાન

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં વર્ષોથી રહેતા કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલક મૂળ રાજસ્થાની યુવકની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડતો થયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
ભરૂચના નંદેલાવ ગામની આશીર્વાદ સોસાયટીના બી-13 માં રહેતા પ્રકાશ માલીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. મૂળ રાજસ્થાનના વતની પ્રકાશ માલી 'શ્રી રામદેવ પીર કેટરર્સ' નામથી કેટરિંગનો વ્યવસાય ઘણા વર્ષોથી ચલાવતા હતા. હત્યારાઓએ તેમના હાથ-પગ બાંધીને નિર્દયી રીતે હત્યા કરી ફરાર થઈ જતા ચકચાર મચી હતી. આ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ડીવાયએસપી સી કે પટેલ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
ડીવાયએસપી સી કે પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું જણાતા એલસીબી,એસઓજી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.તેઓનું પરિવાર રાજસ્થાન ગયો હોવાથી પ્રકાશ માલી ઘરે એખલા હતા તે દરમ્યાન બે મજૂરો ઘરે આવ્યા હતા જે બાદ તેઓનો મૃતદેહ મળી આવ્યો છે. તેઓની ગાડી પણ નથી મળી અને ઘરમાં લાગેલા સીસીટીવીનુ ડીવીઆર પણ ગાયબ હોય જેથી પ્રથમ દ્રષ્ટિએ લૂંટ કરી હત્યા કરી હોવાનું જણાઈ આવતા વિવિધ એજન્સીઓની ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
