<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

કેન્‍સર હોસ્‍પિટલ-રિસર્ચ સેન્‍ટરમાં યોગદાન આપવુ એ મારા પરીવારનુ સૌભાગ્‍યઃ બાવકુભાઈ ઉંધાડ

ખોડલધામ ટ્રસ્‍ટને ૬૧ વીઘા ભૂમિદાન કરનાર ભામાશા બાવકુભાઈ ઊંધાડ-પરીવારનુ વડિયામાં અદકેરૂ સન્‍માનઃ તમામ સમાજના લોકોએ મને ખુબ પ્રેમ આપ્‍યો તેનું ઋણ ચૂકવવાનો આ અવસર મળ્‍યો એનો અનેરો આનંદઃ બાવકુભાઈ : વડિયા વિસ્‍તાર ને અનેક સંસ્‍થાઓ, વિવિધ ગામના લોકો અને ગ્રામજનો સમગ્ર પરિવારને કર્યો સન્‍માનિતઃ લોકનેતા બાવકુભાઈ ઉંધાડને વડિયાવાસીઓએ ‘ભામાશા'નુ બિરુદ આપી નવાજ્‍યાઃ સન્‍માન કાર્યક્રમમાં માનવ મેહરામણ ઉમટતા જગ્‍યા ટૂંકી પડી

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા તા.૧૨ :. ખોડલધામ ટ્રસ્‍ટ દ્વારા કાગવડ ખાતે ભવ્‍ય મંદિર નિર્માણ કરી પાટીદાર સમાજની એકતા સાથે ધાર્મિક,શૈક્ષણિક,ખેતી અને આરોગ્‍ય ક્ષેત્રે કામગીરી કરી સમાજ અને રાષ્‍ટ્રનિર્માણ માં  મદદરૂપ થવાના ઉદેશ્‍ય સાથે આ ટ્રસ્‍ટની સ્‍થાપના કરવામાં આવી હતી તેથી જ આ ટ્રસ્‍ટ દ્વારા નિર્મિત ખોડલધામ માં મંદિરની ધજા સાથે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવવા માં આવે છે. આ ખોડલધામ ટ્રસ્‍ટ દ્વારા હાલ રાષ્‍ટ્રપ્રેમી ટાટા જુથ સાથે સંકલન કરીને વર્લ્‍ડ ક્‍લાસ આધુનિક કેન્‍સર હોસ્‍પિટલ અને રિસર્ચ સેન્‍ટર ના નિર્માણ અર્થે કામગીરી શરુ કરી છે.

આવનાર સમયની મહામારી એ કેન્‍સર ને ગણવામાં આવે છે ત્‍યારે સમગ્ર દેશના લોકોને રાહતદારે ઉચ્‍ચકક્ષાની સારવાર મળી રહે તે માટે વર્લ્‍ડ ક્‍લાસ કેન્‍સર હોસ્‍પિટલ ના નિર્માણ ની કામગીરી શરુ કરવામાં આવી છે.

આ ઉમદા કાર્ય માટે સતત છ ટર્મ સુધી ધારાસભ્‍ય રહી ચૂકેલા વડિયાના પનોતા પુત્ર ,પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ અને તેમના પરિવાર દ્વારા લોકોના ઋણ ને ચૂકવવા માટે આ લોકસેવાના યજ્ઞમાં ૬૧ વીઘા જમીનનુ દાન કર્યું છે. ત્‍યારે સમગ્ર સૌરાષ્‍ટ્રમાં પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ અને તેમના પરીવારની એક ભામાશા તરીકેની છબી ઉભરી આવી છે.

આ ભુમી દાનમાં વડિયાના બાવકુભાઈ ઉંધાડ પરિવારના મોટા યોગદાનની ખુશી પોતાના માદરે વતન વડિયા અને આસપાસ ના વિસ્‍તાર માં પણ ખુબ જોવા મળી છે.

અમરેલી જિલ્લા અને વડિયા ની ખોડલધામ સમિતિ દ્વારા આ ઉદારદીલ ભુદાનના દાતા બાવકુભાઈ ઉંધાડ અને તેમના સમગ્ર પરિવાર ના સન્‍માનનો કાર્યક્રમ કળષ્‍ણપરા સ્‍થિત પટેલ સમાજ વાડી ખાતે ગોઠવવા માં આવ્‍યો હતો.

આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિ, વડિયા ખોડલધામ સમિતિ, વડિયાના આસપાસના ગામોના આગેવાનો, વડિયા ગ્રામપંચાયત,ચેમ્‍બર ઓફ કોમર્સ વડિયા ની વિવિધ સંસ્‍થાઓ, મહિલા મંડળો દ્વારા ખુબ મોટી સંખ્‍યામાં સમગ્ર પરિવાર નુ સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ.

આ સન્‍માન કાર્યક્રમની જાણ વડિયા વિસ્‍તાર માં થતા ગામે ગામ થી લોકો ઉમટી પડ્‍યા હતા અને ભારે મેદની એકઠી થતા જગ્‍યા પણ ટૂંકી પડી હતી તે આ ઉદારદીલ દાતા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ અને તેમના પરીવાર પ્રત્‍યે ની લાગણી અને લોકપ્રેમ જોવા મળ્‍યો હતો. આ કાર્યક્રમ માં  પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડે જણાવ્‍યું  કે હું છેલ્લા ચાલીસ વર્ષ થી સક્રિય રાજકારણમાં છુ સાત વખત વિધાનસભાની ચૂંટણી લડ્‍યો છુ ત્‍યારે લોકોએ મને ખુબ પ્રેમ આપી જીતાડ્‍યો હતો તેથી સમગ્ર અમરેલી જિલ્લો અને આસપાસના વિસ્‍તારનો હું ઋણી છુ એનું ઋણ ચૂકવવા માટે મારી સામે આ માનવ સેવા રૂપી કેન્‍સર હોસ્‍પિટલ ના નિર્માણ યજ્ઞ માં સેવા આપવાનો અવસર આવ્‍યો તેમાં મે અને મારા પરિવારે ભુમીદાન આપી ને મારા પર નુ તમામ સમાજના લોકોનું ઋણ છે એ હું કયારેય ચૂકવી શકુ તેમ નથી આ કાર્ય થી તે ઋણ ઓછું કરવાનો ઙ્કયત્‍ન કર્યો છે.

આ કેન્‍સર હોસ્‍પિટલ અને રિચર્સ સેન્‍ટરનો લાભ સમગ્ર દેશ અને ગુજરાત ના તમામ સમાજના લોકોને મળવાનો છે ત્‍યારે એ કાર્યમાં ભૂમિદાન રૂપી ફૂલની પાંખડી આપવાનો અવસર આપવા બદલ ખોડલધામ ટ્રસ્‍ટ નો પણ બાવકુભાઈ ઉંધાડે  આભાર માન્‍યો હતો. આ કાર્યક્રમ માં વડિયા સ્‍વામિનારાયણ મંદિર અને શીવ મંદિરો ના સંતો,વડિયા અને આસપાસના વિસ્‍તાર ના ગામડાઓમાંથી મોટી સંખ્‍યામાં વિવિધ  સમાજના આગેવાનો, વિવિધ સંસ્‍થાના હોદેદારો અને લોકો એ હાજરી આપી હતી અને તમામ સમાજોએ પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ અને તેમના પરિવારના સભ્‍યોનુ ફુલહાર, મોમેન્‍ટો અને શાલથી સન્‍માન કર્યું હતુ.

(11:20 AM IST)