તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
અબડાસામાં વન વિભાગની જમીન પરનું દબાણ હટાવાયું
૩૫૦ હેક્ટર જમીન ખુલ્લી કરાઈઃઆ દબાણ દૂર કરવા માટે વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

કચ્છ,તા.૬
કચ્છના અબડાસા તાલુકામાં સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં કુણાઠીયા અને ભાચુંડા ગામોની સીમમાં વન વિભાગની આશરે ૩૫૦ હેક્ટર જેટલી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે.
વન વિભાગની કુલ ૬૩૯ હેક્ટર જમીન પૈકી, ૩૫૦ હેક્ટર જમીન પર કેટલાક સ્થાનિક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે વાવણી કરીને દબાણ કરવામાં આવ્યું હતું, જે કુલ ૮૬૪ એકર જેટલી જમીન થાય છે. આ દબાણ દૂર કરવા માટે વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ કાર્યવાહીમાં પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, અને કચ્છ વિસ્તારના વન વિભાગના કુલ ૧૫૦ થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. આ ઉપરાંત, પશ્ચિમ કચ્છ પોલીસના ૧૩૫ થી વધુ પોલીસ જવાનો પણ આ દબાણો દૂર કરવાની કાર્યવાહીમાં સામેલ થયા હતા. આ રીતે મોટા પાયે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર દબાણો પર જેસીબી મશીન અને ટ્રેક્ટરો ફેરવી દેવામાં આવ્યા હતા.
આ કાર્યવાહીથી તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે સરકારી જમીનો પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં અને તંત્ર દ્વારા આવા દબાણો સામે કડક પગલાં ભરવામાં આવશે. આ ઘટના ભવિષ્યમાં પણ સરકારી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરતા લોકોને ચેતવણી સમાન છે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
