તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
જામનગર શહેરની જનતાને આગામી શનિવારે નવા બે અડધો-અડધો કિલોમીટરના સીસી રોડની ભેટ મળશે : મુળુભાઈ બેરાએ નિરીક્ષણ કર્યું
જુની આરટીઓ કચેરી થી જૂની ખડપીઠ મેદાન અને જૂની આરટીઓ કચેરી થી મિગ કોલોની તરફ નવા બે રસ્તા ખુલ્લા મુકાશે : જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓની સાથે નવા રોડની મુલાકાતે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૪ : જામનગર શહેરનો ટ્રાફિક હળવો કરવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નવા રોડ બનાવવા માટેની કવાયત કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે શહેરના લાખોટા તળાવની પાળ પર જૂની આરટીઓ કચેરી તરફથી નીકળતા બે રસ્તા જેમાં એક જૂની ખડપિઠ તરફ અને એક લાખોટા મિગ કોલોની તરફ અલગ અલગ બે રસ્તાઓ બનાવાયા છે, અને સીસી રોડનું કામ પૂર્ણતાના આરે છે. આગામી ૯મી તારીખે બંને રોડ જાહેર જનતા માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા બ્યુટીફિકેશન કામની સાથે સાથે જામનગરની જુની આરટીઓ કચેરીથી જુના ખડપીઠ મેદાન સુધીની જગ્યા પર અડધો કિલોમીટર ની લંબાઈ નો ઉંચી હાઈટ નો સીસી રોડ બનાવાયો છે.
હાલના માર્ગે આ વિસ્તારમાં નીચાણ વાળા ભાગને કારણે વરસાદી પાણી ભરાઈ જતા હોવાથી મહાનગરપાલિકા દ્વારા તે રોડને ઘણું ઊંચો બનાવ્યો છે, અને આગામી ૯મી ઓગસ્ટ ના દિવસે તે રોડને લોકોની અવર જવર માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. હાલ ત્યાં લાઇટિંગ સુશોભન સહિતની કાર્યવાહી ચાલી રહી છે.
આ ઉપરાંત જુની આરટીઓ કચેરી થી જંગલેશ્વર મહાદેવ મંદિર વાળી જગ્યા અને લાખોટા કોલોની ના કોર્નર સુધીના ભાગે પણ નવો સી.સી. રોડ બનાવાયો છે. જે થ્રી લેન રોડ પણ આગામી ૯ તારીખે ખુલ્લો મૂકી દેવામાં આવશે, તેની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે.
જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા દ્વારા આ રોડ રસ્તા ના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ વેળાએ તેઓની સાથે મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી, મહાનગરનાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ઉપરાંત ડી એમ સી દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના ઈજનેર રાજીવ જાની સહિતના અધિકારીઓની ટીમ જોડાઈ હતી, અને સમગ્ર માર્ગ ના કામનું નિરીક્ષણ કરાયું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આગામી ૧૦ મી ઓગસ્ટ થી ૧૫ દિવસ માટેનો પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળો યોજાઈ રહ્યો છે, અને તેનું આયોજન પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે મેળાનો ટ્રાફિક હળવો કરવાના ભાગરૂપે તેમ જ એસટી બસો આ રોડ પરથી ચલાવવાના ભાગરૂપે બન્ને રોડના કામો સત્વરે હાથ ધરી લેવાયા છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
