તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
ભુજમાં ACBનો સપાટો : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ₹૪૦,૦૦૦ની લાંચ લેતા ગ્રામસેવક ઝડપાયો : ટેકનિકલ આસિસ્ટન્ટ ફરાર! : જુઓ વિડિયો
ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે ACB એ છટકું ગોઠવીને લાંચિયા અધિકારીઓને ઝડપ્યા : આવાસ સહાય માટે લાંચ માંગતા કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ અને ગ્રામ સેવક સામે કાર્યવાહી : મુખ્ય આરોપી હજુ ફરાર

ભુજ, તા. ૩૧ જુલાઈ, ૨૦૨૫: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ મળવાપાત્ર સહાય માટે લાંચ માંગવાનો મામલો ભુજમાં સામે આવ્યો છે. આજે, તા. ૩૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ભુજ એસીબીએ એક સફળ ટ્રેપ ગોઠવીને તાલુકા પંચાયત કચેરી ખાતેથી ₹૪૦,૦૦૦ ની લાંચ સ્વીકારતા ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલને રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ લાંચની માંગણી કરનાર મુખ્ય આરોપી, ટેકનિકલ આસિસ્ટન્ટ (કરાર આધારિત) વિશાલ ભરતભાઈ જોષી, હજુ ફરાર છે.
લાંચની માંગણી અને છટકાની વિગત:
આ કેસના ફરિયાદી, એક જાગૃત નાગરિકે, પોતાની અને તેમના સંબંધીઓની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળવાપાત્ર મકાન સહાય માટે ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે અરજી કરી હતી. આ સહાય બાબતે ફરિયાદીએ આરોપી નંબર (૧) વિશાલ ભરતભાઈ જોષી, ટેકનિકલ આસિસ્ટન્ટ (કરાર આધારિત), પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), તાલુકા પંચાયત ભુજનો સંપર્ક કર્યો હતો. વિશાલ જોષીએ આ સહાય માટે જરૂરી ટેકનિકલ કાર્યવાહી કરી આપવા સારુ ₹૪૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. આ રકમ માટે આરોપી નં (૧) એ ફરિયાદીને આરોપી નં (૨) દર્શન વિષ્ણુભાઈ પટેલ, ગ્રામ સેવકને મળવા જણાવ્યું હતું.
ફરિયાદી આ ગેરકાયદેસર લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ભુજ એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. લાંચના છટકા દરમિયાન, આરોપી નં (૧) વિશાલ જોષીએ ફરિયાદીને ફોન પર આરોપી નં (૨) દર્શન પટેલને મળીને લાંચની રકમ આપી દેવા જણાવ્યું હતું. આ વાતચીતના આધારે, ફરિયાદી આરોપી નં (૨) દર્શન પટેલને મળ્યા અને હેતુલક્ષી વાતચીત કરી.
લાંચના છટકા દરમિયાન, આરોપી નં (૨) દર્શન પટેલે આરોપી નં (૧) વિશાલ જોષી વતી ₹૪૦,૦૦૦/- ની લાંચની રકમ માંગી, સ્વીકારી, અને પકડાઈ ગયા હતા. આ રીતે બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરીને ગુનો આચર્યો હતો.
નોંધનીય છે કે, આરોપી નં (૧) વિશાલ જોષી ઘટના સ્થળે હાજર મળી આવ્યા નથી અને ફરાર છે.
ACB ટીમની કામગીરી:
આ ટ્રેપની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ.ચૌધરી, ભૂજ એ.સી.બી. પોલીસ સ્ટેશન અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યવાહી દર્શાવે છે કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને સામાન્ય નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ લેવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
