તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Wednesday, 30th July 2025
પોરબંદરમાં ગુનાહિત કાર્યો આચરનાર બે પોલીસકર્મીઓ ડિસમિસ : SP ભગીરથસિંહ જાડેજાનો દાખલારૂપ નિર્ણય!
પોલીસ હેડક્વાર્ટરના હેડ કોન્સ્ટેબલ ચંન્દ્રકાંત ગોસાઈ અને કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ ચૌહાણને નોકરીમાંથી બરતરફ કરાયા : પોલીસ વિભાગની છબી ખરડાય તેવા અને અણછાજતા ગુનાહિત કૃત્યો બદલ કડક કાર્યવાહી : સારી કામગીરીને પ્રોત્સાહન પણ અપાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર : પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (IPS) દ્વારા ગુનાહિત કાર્યો આચરતા બે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ દાખલારૂપ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ વિભાગની છબી ખરડાય તેવા અને પોલીસ કર્મચારીને અણછાજતા ગુનાહિત કૃત્યો આચરવા તેમજ પોતાની ફરજોથી વિમુખ થવા બદલ આ બંને કર્મચારીઓને 'REMOVE FROM SERVICE' (નોકરીમાંથી બરતરફ) કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
બરતરફ કરાયેલા પોલીસકર્મીઓની વિગતો:
પોરબંદર જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને બરતરફ કરાયેલા પોલીસકર્મીઓના નામ નીચે મુજબ છે:
* અનાર્મ હેડ કોન્સ્ટેબલ ચંન્દ્રકાંત ભરતભારથી ગોસાઈ, બકલ નં.૩૪૫, નોકરી-પોલીસ હેડક્વાર્ટર, પોરબંદર.
* અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ હીંમતભાઈ ચૌહાણ, બકલ નં.૮૧૯, નોકરી-પોલીસ હેડક્વાર્ટર, પોરબંદર.
પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના ધ્યાને આવ્યું હતું કે આ કર્મચારીઓ દ્વારા પોલીસ વિભાગની ગરિમાને ઠેસ પહોંચાડતા અને ગુનાહિત કૃત્યો આચરતા કાર્યો કરવામાં આવ્યા છે, જે પોલીસ ખાતાની ફરજોથી તદ્દન વિપરીત છે.
પોલીસ વિભાગમાં શિસ્ત અને ઉત્કૃષ્ટતા જાળવવા પર ભાર:
આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ પોલીસ ખાતામાં શિસ્તના ઉચ્ચ ધોરણો જળવાઈ રહે અને પોલીસ સાચા અર્થમાં પ્રજાના મિત્ર અને રક્ષક બની રહે તેવા કાર્યો કરવા પ્રેરાય તે છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ અધિક્ષક દ્વારા સારી કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને દર મહિનાની ક્રાઈમ કોન્ફરન્સમાં બિરદાવવામાં આવે છે અને પ્રોત્સાહન રૂપે સન્માનિત કરીને ઈનામ પણ આપવામાં આવે છે. આ જ રીતે, જે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજોથી વિમુખ થાય છે અથવા પોલીસ વિભાગની છબી ખરડાય તેવા અણછાજતા ગુનાહિત કૃત્યો આચરે છે, તેમની સામે દાખલારૂપ કાર્યવાહી કરીને તેમને સેવામાંથી બરતરફ કરવામાં આવે છે. આ કડક નિર્ણય પોલીસ દળમાં શિસ્ત અને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડે છે.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
