તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
જામનગરમાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી : દોઢ કલાકના સફળ ઓપરેશન બાદ બીમાર ગૌવંશને મળ્યું નવજીવન!
વિભાપર ગૌશાળાના ફોન બાદ ડો. જીગર કારેણા, ભગવાનભાઈ ગલચર અને ડો. શોએબ ખાનની ટીમે સમયસર પહોંચી નિઃશુલ્ક સારવાર પૂરી પાડી : ગુજરાત સરકારની આ સેવા અબોલ જીવો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ

જામનગર : જામનગર જિલ્લામાં કાર્યરત ગુજરાત સરકાર સંચાલિત 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા અબોલ જીવો માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત આ નિઃશુલ્ક ફરતું પશુ દવાખાનું રાજ્યભરના ગામડાઓ અને શહેરોમાં પશુઓને તાત્કાલિક સારવાર પૂરી પાડી રહ્યું છે, અને તાજેતરનો એક કિસ્સો તેની કાર્યક્ષમતાનો શ્રેષ્ઠ દાખલો પૂરો પાડે છે.
તાજેતરમાં, જામનગરની વિભાપર ગૌશાળા દ્વારા 1962 હેલ્પલાઈન પર એક ગૌવંશના પગમાં તકલીફ હોવા અને ચાલી ન શકવા અંગે જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળતાં જ, જામનગરની કરુણા એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સક્રિય થઈ હતી. ડો. જીગરભાઈ કારેણા (વેટરનરી ડોક્ટર), પાઈલોટ કમ ડ્રેસર ભગવાનભાઈ ગલચર, અને જામનગર ઝોનના પ્રોગ્રામ મેનેજર ડો. શોએબ ખાન સહીતની ટીમ ગૌશાળાએ પહોંચી હતી.
ગૌવંશની પ્રાથમિક તપાસ બાદ, તેના પગના ભાગે ઓપરેશન કરવાની તાત્કાલિક જરૂરિયાત જણાતા, ડો. શોએબ ખાન, ડો. જીગરભાઈ અને પાઈલોટ કમ ડ્રેસર ભગવાનભાઈ ગલચર દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આશરે દોઢ કલાકની જહેમત અને કુશળતા બાદ, આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનના કારણે પીડાતા ગૌવંશને પીડામાંથી મુક્તિ મળી અને તેને નવજીવન પ્રાપ્ત થયું.
આ સંપૂર્ણ સેવા ગૌશાળાને નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી, જેનાથી ગૌશાળાના સેવકોએ ગુજરાત સરકાર પ્રત્યે દિલથી ખુશી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સફળ કામગીરીની નોંધ લેતા 1962 અને 10 MVD ના પ્રોગ્રામ મેનેજર ડો. શોએબ ખાન તથા જામનગર જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચિંતનભાઈ પંચાલ દ્વારા 1962 કરુણાની ટીમના કાર્યને ભરપૂર બિરદાવવામાં આવ્યું હતું. તેમણે જનતાને પણ સરકારશ્રીની આ અમૂલ્ય નિઃશુલ્ક સેવાનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરી હતી.
આ પ્રકારની સેવાઓ અબોલ પશુઓની પીડા દૂર કરવામાં અને તેમના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે સમાજમાં સંવેદનશીલતા અને પશુકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
