<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

આજે વિશ્વ હિપેટાઇટિસ ડે બેપરવાહ આજે ફેટી લીવરની સમસ્યા બની સામાન્ય, જાણો લીવરની બીમારીના સામાન્ય લક્ષણો અને સાવધાની, WHO એ પણ ૨૦૨૫ની થીમ દ્વારા કમળા જેવા રોગની કમર તોડી નાખવા કરી હાકલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮ : લીવર અને ફેટી લીવર લેબોરેટરી રિપોર્ટમાં આજે સામાન્ય રીતે વધુ દેખાતી બીમારી બની રહી છે. આ સમસ્યાનું કારણ આપણી ખાનપાનની શૈલી જવાબદાર હોવાનું નિષ્ણાત તબીબોનું કહેવું છે. વિશ્વભરમાં આ માટેની વિસ્તૃત જાગૃતિ માટે WHO વિશ્વ આરોગ્ય સંસ્થા પણ સક્રિય બની છે અને ૨૮ જુલાઈ વર્લ્ડ હિપેટાઇટિસ ડે તરીકે ઉજવે છે. આ સમસ્યાનું કારણ ખાણી-પીણી અને રહેણી-કરણીની બેપરવાહ જીવનશૈલી છે તેને લીધે ફેટી લીવરની સમસ્યા સામાન્ય બની ગઈ ગઈ છે. પ્રારંભમાં સામાન્ય લાગતા આ રોગને હળવાશથી લેવાને  કારણે શરીરના ઝેરને નિર્મૂલન કરતું લીવર અનિયંત્રિત થઈ જાય છે અને  લીવરની સમસ્યા વધી રહી છે.જેથી દર વર્ષે અનેકના જીવ જાય છે.

અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડો.કશ્યપ બુચ અને ડો.યેશા ચૌહાણે વિશ્વ હિપેટાઇટિસ ડે ૨૮ મી જુલાઈ નિમિતે કહ્યું કે, લીવર શરીરનું કન્ટ્રોલ પાવર  છે.મોટા ભાગના શરીરના અંગો ઉપર તેનું નિયંત્રણ હોય છે, તેવામાં લીવર બગડે તો આખા શરીરને અસર થાય છે.આ રોગને હિપેટાઇટિસ યાને લોકબોલીમાં  કમળો કહેવામાં આવે છે.

હિપેટાઇટિસના "એ થી ઈ"  સુધીના પાંચ પ્રકારો છે.હિપેટાઇટીસ બી સૌથી વધુ ખતરનાક હોય છે.વર્ષાઋતુમાં હિપેટાઇટિસ "એ"નું પ્રમાણ વધી જાય છે.કારણકે, દૂષિત પાણી અને બહારના ખાવાપીવાનું કારણ મુખ્ય છે.માટે તેના લક્ષણ જાણી અને રક્ત પરીક્ષણ કરાવી વેળાસર સારવાર લેવાય એ જરૂરી છે. હિપેટાઇટિસ "એ" અને "બી" માટે રસી ઉપલબ્ધ છે.જે જન્મ સમયે અપાય છે.જો બચપણમાં ન મુકાવી હોય તો ૨૫ -૩૦ વર્ષે મુકાવી શકાય છે.

હિપેટાઇટિસ ડે નિમિતે વિશ્વ આરોગ્ય સંગઠને આ વર્ષે થીમ આપી તેની કમર તોડી નાખવા દુનિયાને  આહવાન કર્યું છે અને ૨૦૩૦ સુધી તેની નાબૂદી માટે સંકલ્પબદ્ધ બનવા હાકલ પણ કરી છે.

 લક્ષણો અને જોખમી પરિબળો:

આ રોગ માટે જાગૃતિ આવશ્યક છે,તેથી લક્ષણો જાણવા પણ એટલાજ આવશ્યક છે.જેમાં ભૂખ ન લાગવી, પેટમાં દર્દ થાય, ઝાડા થાય,ત્વચા અને આંખમાં પીળાશ આવે.ક્યારેક તો લક્ષણો પણ નથી દેખાતા.આ રોગના જોખમી પરિબળોમાં વેક્સિનથી વંચિત રહેવું,દૂષિત અને બહારની ખાણી પીણી,ટેટૂ મુકાવા,સંક્રમિત સોય,દર્દ નિવારક દવા અને આલ્કોહોલ સેવન મુખ્ય છે.

  હિપેટાઇટિસથી બચવા શું કરવું અને શું ન કરવું?

 ​જો આ રોગથી બચવું હોય તો જીવનશૈલી બદલવી જરૂરી છે.સ્વસ્થ આહાર લેવો, તાજા ફળ,લીલા શાકભાજી,પ્રોટીનને ભોજનમાં સામેલ કરવામાં આવે.લસણ,હળદર અને ગ્રીન ટી લેવી અને રોજ ૩૦ મિનિટ કસરત કરવી એ જ રીતે આલ્કોહોલથી દૂર રહેવું,વજન નિયંત્રિત કરવું, વર્ષમાં એક વખત લિવરની તપાસ કરાવવી અને ડો.ની સલાહ વિના કોઈ દવા કે સપ્લિમેન્ટ ન લેવી.દર વર્ષે એક વાર આ રોગની જાંચ કરાવી લેવી.

(9:30 AM IST)