તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
મહાદેવને રોજ ૧.૨૫ લાખના ચડાવાતા દરેક બિલ્વ પત્ર સોમનાથ ટ્રસ્ટના બિલ્વ વનમાં જ ઉગે છે!

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ર૬ઃ સોમનાથ મહાદેવની પૂજા માટે લાખો બિલ્વપત્રોની માંગ સોમનાથ ટ્રસ્ટે આત્મનિર્ભર બની પૂરી કરી છે. સોમનાથ મંદિરમાં ચઢાવવામાં આવતું દરેક બિલ્વપત્ર, સોમનાથ ટ્રસ્ટના બિલ્વવનમાં ઉગે છે. આ બિલ્વ વૃક્ષ ના બગીચા માં ૧૫ થી ૧૬ કર્મચારીઓનો સમૂહ શિવજીના ભજનની સાથે સોમનાથ માટે બિલ્વ પત્રો ચૂંટે છે. વન માંથી દરરોજ ૧.૨૫ લાખથી વધુ બિલ્વ પત્રો સોમનાથ મહાદેવની પૂજામાં જાય છે. ટ્રસ્ટે છેલ્લા ૨૨ વર્ષથી બિલ્વ વનનું સંવર્ધન કરી પૂજાના બિલ્વ પત્ર માટે આત્મનિર્ભરતા મેળવી છે. અને સોમનાથ ટ્રસ્ટ ના કર્મચારીઓ રોજ ના ૮ થી ૧૦ મોટા કોથળા સોમનાથ મંદિર મોકલે છે.
ઝાડમાંથી બિલ્વપત્રની નાની ડાળીઓ કાપીને શ્રેષ્ઠ બિલ્વપત્રો સોમનાથ પહોંચાડે છે. દરરોજ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવને લાખો. બિલ્વ પત્ર અર્પણ કરવામાં આવે છે. અને શ્રૃંગાર દરમિયાન લાખો બિલ્વ પ્રતિદિન પ્રાતઃ અને સાયમ પૂજા પત્રોની જરૃરીયાતને પૂર્ણ કરવા માટે, સોમનાથ જ્યોર્તિલિંગ પ્રાણપ્રતિષ્ઠા સુવર્ણજયંતી ઉત્સવ વર્ષ ૨૦૦૧માં પ્રભાસ તીર્થમાં સોમનાથ બિલ્વવન સંવર્ધન પ્રોજેકટની સ્થાપના કરવામાં આવી હતી. ૧૩મી ઓગસ્ટ, ૨૦૦૧ના રોજ સોમનાથ હાઈવે રોડપર સોમનાથ ટ્રસ્ટના તત્કાલીન ટ્રસ્ટી સ્વર્ગીય પ્રસન્નવદન મહેતાના હસ્તે બિલ્વ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમયની સાથે સોમનાથ ટ્રસ્ટે વધુ એક બિલ્વવન સ્થાપ્યું છે અને આજે સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવતું પ્રત્યેક બિલ્વપત્રને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પવિત્ર બિલ્વ જંગલમાં ઉગાડવામાં આવે છે.
ગાયનાં છાણનું ખાતર નાખી ટપક પધ્ધતિથી સિંચાઈ
આજે ૨૨ વર્ષ પછી આ વિશાળ બિલ્વ જંગલમાં વનમાં હજારો વૃક્ષો પર લાખો બિલ્વપત્ર ઉગાડવામાં આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટની ગૌશાળામાંથી ગાયનું છાણનું ખાતર અને ટપક સિંચાઈ પધ્ધતિથી સિંચિત આ આખું બિલ્વવન વસુધાનું લીલું આભૂષણ બનેલું દેખાય છે. આ રીતે, બે દાયકા પહેલા જ્યાં સોમનાથ મહાદેવને અર્પણ કરવા માટે બિલ્વપત્રો ખરીદવામાં આવતા હતા ત્યાં જ આજે બિલ્વવનની પવિત્ર ભૂમિમાં ઉગાડવામાં આવતા એક લાખથી વધુ બિલ્વના પાંદડા દરરોજ સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવે છે.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
