<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

ઘેલા સોમનાથમાં VVIP લોકોની ભોજન વ્‍યવસ્‍થા માટે શિક્ષકોને જવાબદારી સોંપાતા દેકારોઃ આખરે પરિપત્ર રદ્દ

જસદણ પ્રાંત અધીકારીની સ્‍પષ્‍ટતાઃ શિક્ષકોનું એક ગ્રુપ છે જેમણે સામે ચાલીને સેવા માટે સંપર્ક કર્યો હતો

રાજકોટ તા. ર૪: કાલથી શ્રાવણ માસનો પ્રારંભ થશે, રાજકોટ જિલ્લાના જસદણ પાસે આવેલ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભોળાનાથના ભકતો મોટી સંખ્‍યામાં ઉમટી પડતા હોય છે. આ સાથે ઘેલા સોમનાથ મંદિર પાસે લોકમેળા, લોકડાયરા, સાંસ્‍કૃતિક કાર્યક્રમો તેમજ શિવ કથા જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.

દરમિયાન ત્રણ દિ' પહેલા જસદણ પ્રાંત અધિકારી રાહુલકુમાર ખાંભરા દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્‍યો હતો. આ પરિપત્રમાં જસદણ-વિંછીયા તાલુકા અંતર્ગત આવતી કેટલીક શાળાના આચાર્યો તેમજ શિક્ષકો સહિતનાઓને VVIP ભોજન સંચાલન માટેની જવાબદારી સોંપવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્‍યું હતું. જેના કારણે સોશિયલ મીડિયામાં એક વાત વહેતી થઇ હતી કે, શિક્ષકોની કામગીરીમાં હવે જમવાની વ્‍યવસ્‍થા જોવાનો પણ વધારો થયો છે, આ બાબતે શિક્ષકોમાં ઉગ્ર વિરોધ વંટોળ થતા આ પરિપત્ર પાછો ખેંચી લેવાયો છે. દરમિયાન આ સમગ્ર મામલે જસદણ પ્રાંત અધિકારી રાહુલકુમાર ખાંભરા દ્વારા સ્‍પષ્‍ટતા કરવામાં આવી છે. તેમણે જણાવ્‍યું હતું કે, શ્રાવણ માસ દરમિયાન ઘેલા સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્‍યામાં દર્શનાર્થીઓ મહાદેવના દર્શનનો લાભ લેતા હોય છે. ત્‍યારે તેની આંતરિક વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે દર વર્ષે સ્‍થાનિક સેવાભાવી સંસ્‍થાઓ, આસપાસના ગામ લોકો તેમજ કર્મચારી સંગઠનો સ્‍વેચ્‍છાએ સામે ચાલીને વ્‍યવસ્‍થામાં જોડાતા હોય છે.

આ અંતર્ગત શિક્ષકોનું એક ગ્રુપ છે, જે શાળા સિવાયના સમયમાં મંદિરમાં સેવા માટે સામે ચાલીને તેમનો સંપર્ક કર્યો હતો. જે અંતર્ગત તેમની આંતરિક કામગીરીની વહેંચણી કરવામાં આવેલી છે. સમગ્ર સેવાકીય કામગીરીમાં જે લોકોને સ્‍વેચ્‍છાએ જોડાવું છે તેમને જોડવામાં આવ્‍યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, તેમની સેવાકીય કામગીરીના કારણે શાળાની કામગીરી તેમજ બાળકોના અભ્‍યાસ ઉપર કોઇપણ અસર નહીં પડે. (૭.ર૭)

(3:59 PM IST)