<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

માલિયાસણના ચાંદની નોનવેજમાં પાર્સલ જલ્‍દી આપવા મામલે પાઇપ-તાવીથા-છરીથી બઘડાટી

ચોટીલાના ખેડૂત નરેન્‍દ્રભાઇ ખવડ અને બે મિત્રો અનિલ સુરેલા, રાજુ કાલોદરાને રેસ્‍ટોરન્‍ટ સંચાલક સુલેમાન ઉર્ફ દાદુ સહિતે ફટકાર્યાઃ સામા પક્ષે મેનેજર ઇમરાન પઠાણની પણ ત્રણેય વિરૂધ્‍ધ કુવાડવા પોલીસમાં ફરિયાદ : મેનેજર ઇમરાને કહ્યું-પાર્સલનું ટોકન લેવા કહેતાં અમારે ટોકન ન લેવાના હોય, અમારે વેઇટીંગ ન કરવાનું હોઇ કહી બે શખ્‍સે છરી કાઢી હતી

રાજકોટ તા. ૨૪: કુવાડવા નજીક માલિયાસણમાં આવેલા ચાંદની નોનવેજ રેસ્‍ટોરન્‍ટ ખાતે રાત્રે દસેક વાગ્‍યે ચોટીલાથી ત્રણ જણા પાર્સલ લેવા આવ્‍યા ત્‍યારે આ લોકોએ જલ્‍દી પાર્સલ આપવાનું કહેતાં રેસ્‍ટોરન્‍ટના સંચાલક અને તેની સાથેના બે અજાણ્‍યા શખ્‍સોએ લોખંડના પાઇપ અને તાવીથાથી હુમલો કરી તેમજ ઢીકાપાટુનો માર મારતાં ત્રણેયને ઇજાઓ થઇ હતી. જે પૈકી એકને વધુ ઇજા પહોંચતા સારવાર માટે દાખલ કરવામાં આવતાં કુવાડવા પોલીસે ફરિયાદ નોંધી હતી. સામા પક્ષે મેનેજરે પણ ત્રણ જણા વિરૂધ્‍ધ ફરિયાદ કરી છે. આ ત્રણેયએ પાર્સલ માટે અમારે ટોકન ન લેવાનું હોય, વેઇટીંગમાં ન બેસવાનું હોઇ કહી ગાળો બોલી છરીઓ કાઢી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવમાં  કુવાડવા પોલીસે ચોટીલામાં થાન રોડ પર પાંજરાપાળ પાછળ રહેતાં ખેતી કરી ગુજરાન ચલાવતાં નરેન્‍દ્રભાઇ ભીખુભાઇ ખવડ (ઉ.વ.૩૮)ની ફરિયાદ માલિયાસણ ચાંદની રેસ્‍ટોરન્‍ટના સુલેમાન ઉર્ફ દાદુ જુણેજા અને બે અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. નરેન્‍દ્રભાઇએ જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહું છું. બુધવારે હું અને મારા મિત્ર રાજુભાઇ રણછોડભાઇ કાલદરા (રહે. મોટીવાડી વિસ્‍તાર કુંભારા ગામ, ચોટીલા) તથા અનિલભાઇ અણદાભાઇ સુરેલા (રહે. પાંજવાળી તા. ચોટીલા) એમ ત્રણેય મિત્ર સંજયભાઇની સ્‍વીફટ કાર લઇ રાજકોટ ખાતે કામ અર્થે ગયા હતાં.

વળતા નવેક વાગ્‍યા આસપાસ રાજકોટથી અમારા ગામે જવા નીકળ્‍યા હતા. રસ્‍તમાં રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ પાસે ચાંદની નોનવેજ ખાતે અમે જમવા માટે રોકાયા હતાં. પરંતુ અહિ જમવાને બદલે પાર્સલ લઇ લેવાનું નક્કી કર્યુ હતું. આ વખતે ત્‍યાં હાજર સુલેમાનભાઇ ઉર્ફ દાદુને પાર્સલ માટે ઓર્ડર આપ્‍યો હતો. અમારે મોડુ થતું હોઇ ઉતાવળથી પાર્સલ કરી દેવાનું કહ્યું હતું. પરંતુ દાદુભાઇએ ઉશ્‍કેરાઇ જઇ અમને ગાળો દેવાનું ચાલુ કરતાં અમે તેને ગાળો નહિ બોલવા કહેતાં સુલેમાનભાઇ ઉર્ફ દાદુ અને તેના સ્‍ટાફના માણસો ભેગા થઇ ગયા હતાં.

અમારી સાથે ઝપાઝપી કરી હતી અને દાદુએ લોખંડનો પાઇપ લઇ મારા પર હુમલો કરી હાથમાં ઘા ફટકારી દીધો હતો. બીજા કોઇ શખ્‍સે તાવીથો ઉપાડી મને માથામાં ફટકા માર્યા હતાં. અન્‍ય શખ્‍સે મને અને મારા બે મિત્રોને ઢીકાપાટુનો માર માર્યો હતો. મને તાવીથો માથામાં લાગતાં  લોહી નીકળવા માંડયા હતાં. આ દરમિયાન કોઇએ ફોન કરતાં પોલીસ આવી ગઇ હતી અને મને  કુવાડવા સારવાર માટે ખસેડયો હતો. ત્‍યાંથી રાજકોટ સિવિલમાં દાખલ થયો હતો. તેમ વધુમાં નરેન્‍દ્રભાઇએ કહ્યું હતું.

જ્‍યારે સામા પક્ષે માલસીયાણ ગામે રહેતાં ઇમરાન ઇસ્‍માઇલભાઇ પઠાણ (ઉ.વ. ૩૩)ની ફરિયાદ પરથી ત્રણ અજાણ્‍યા વિરૂધ્‍ધ વળતો ગુનો નોંધ્‍યો છે.

ઇમરાન માલિયાસણના ચાંદની રેસ્‍ટોરન્‍ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેણે જણાવ્‍યું હતું કે હું અહિ દસ વર્ષથી નોકરી કરુ છું અને મારો મહિને વીસ હજાર પગાર છે. મારા શેઠનું નામ સુલેમાનભાઇ આદમભાઇ જુણેજા છે. બુધવારે સાંજે હું રોજની જેમ ગ્રાહકોના ઓર્ડર લઇ તેને ટોકન આપવાનું કામ કરતો હતો. આ વખતે રાતે દસેક વાગ્‍યે ત્રણ અજાણ્‍યા શખ્‍સો આવ્‍યા હતાં. મેં તેને ટોકન લઇ લેવાનું અને વેઇટીંગમાં બેસવાનું કહેતાં આ ત્રણમાંથી કોઇ બોલ્‍યું હતું કે અમારે ટોકન લેવાના ન હોય, અમે વેઇટીંગમાં ન બેસીએ. જેથી મેં કહેલું કે વેઇટીંગમાં ન રહેવું હોય તો બહાર જતાં રહો. આથી ત્રણેયએ ગાળો બોલવાનું ચાલુ કરતાં મેં તેઓને અહિ ફેમિલી જમવા આવતા હોઇ ગાળો ન બોલો અને બહાર નીકળી જાઓ.

જેથી આ ત્રણમાંથી એક શખ્‍સે છરી કાઢી હતી. બીજાએ પણ નેફામાંથી છરી કાઢતાં અમારા ચાંદની નોનવેજ રેસ્‍ટોરન્‍ટનો સ્‍ટાફ ભેગો થઇ જતાં આ બંને પાસેથી છરી આંચકી લીધી હતી. પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં એએસઆઇ કે. એચ. પલાળીયા અને એએસઆઇ કે. વી. જાડેજાએ ગુના દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

(2:27 PM IST)