<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

હિટ એન્ડ રન કેસમાં ઐતિહાસિક ચુકાદો : ટ્રક ન મળ્યો તો રિક્ષાની વીમા કંપની વળતર ચૂકવવા જવાબદાર!

વકીલ વિરલ રાચ્છની ધારદાર દલીલો સફળ : અગાઉ નામંજૂર થયેલા કેસમાં વ્યાજ સહિત આશરે ₹૧૫.૬૦ લાખ ચૂકવવા વીમા કંપનીને આદેશ : પીડિત પરિવારોને ન્યાય મળ્યો

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, ૨૪ જુલાઈ, ૨૦૨૫ : એક મહત્વપૂર્ણ ચુકાદામાં, જામનગરની અદાલતે હિટ એન્ડ રન કેસમાં અજાણ્યો ટ્રક ન મળવા છતાં, અકસ્માતમાં સંડોવાયેલી રિક્ષાની વીમા કંપનીને વળતર ચૂકવવા જવાબદાર ઠેરવી છે. આ ચુકાદાથી અગાઉ નામંજૂર થયેલા વળતરના કેસમાં મૃતક કરણાભાઈ રાજસીભાઈના વારસોને વ્યાજ સહિત આશરે ₹૧૫,૬૦,૦૦૦/- (પંદર લાખ સાંઈઠ હજાર રૂપિયા) જેવી માતબર રકમ ચૂકવવા વીમા કંપનીને આદેશ કરવામાં આવ્યો છે. આ ચુકાદો પીડિત પરિવારો માટે આશાનું કિરણ બન્યો છે.
કેસની વિગત અને કાનૂની સંઘર્ષ
આ કેસની હકીકત એવી છે કે તા. ૦૬/૦૬/૨૦૦૫ ના રોજ કરણાભાઈ રાજસીભાઈ સુરતથી માલસામાન ખરીદ કરીને ટ્રેનમાં લાલપુર આવ્યા હતા. ત્યાંથી તેઓ પોતાના માલસામાન સાથે રીક્ષા છકડા નંબર GJ-11-V-3106 માં માલધણી તરીકે પોતાના ઘરે મુરીલા જઈ રહ્યા હતા. તે સમયે એક અજાણ્યા ટ્રકે કરણાભાઈ જે રિક્ષા છકડામાં મુસાફરી કરી રહ્યા હતા તેને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કરણાભાઈને ગંભીર ઈજાઓ થતા તેમનું અવસાન થયું હતું.
આ ઘટના બાદ, મૃતક કરણાભાઈના વારસો દ્વારા જામનગરની અદાલતમાં રિક્ષા છકડાના માલિક, ડ્રાઈવર અને વીમા કંપની સામે વળતર મેળવવા માટે ક્લેઈમ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, શરૂઆતમાં આ વળતર અરજી નામંજૂર કરવામાં આવી હતી. આ ચુકાદાથી નારાજ થઈને ગુજ. કરણાભાઈના વારસો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ કેસને ફરી જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પુરાવા નોંધી નિર્ણય કરવા માટે રિમાન્ડ કર્યો હતો.
વકીલ વિરલ રાચ્છની ધારદાર દલીલો અને ઐતિહાસિક વિજય
સદર રિમાન્ડ થયેલા કેસમાં વીમા કંપની દ્વારા બચાવ લેવામાં આવ્યો હતો કે, ગુજ. કરણાભાઈ જે રિક્ષા છકડામાં સફર કરતા હતા તેને ટ્રકે ટક્કર મારતા અકસ્માત થયો હતો અને રિક્ષા છકડાનો કોઈ કસૂર નહોતો. ઉપરાંત, રિક્ષા છકડો માલવાહક વાહન હોવાથી તેમાં પેસેન્જર મુસાફરી કરી શકે નહીં અને ફરિયાદ પણ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ થઈ છે, વગેરે દલીલો કરવામાં આવી હતી.
જ્યારે, અરજદારોના વકીલ વિરલ રાચ્છ દ્વારા અત્યંત ઝીણવટભરી દલીલ કરવામાં આવી કે ગુજ. કરણાભાઈ માલસામાન સાથે રિક્ષા છકડામાં મુસાફરી કરતા હતા અને માલધણી તરીકે રિક્ષા છકડામાં બેસેલા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અકસ્માતમાં રિક્ષા છકડો પણ સંડોવાયેલ હતો અને જો FIR અજાણ્યા ટ્રક વિરુદ્ધ થઈ હોય તો પણ અરજદારોને વળતર ચૂકવવા રિક્ષા છકડાની વીમા કંપની જવાબદાર છે. વકીલ વિરલ રાચ્છે પોતાની દલીલોના સમર્થનમાં નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના લેટેસ્ટ ચુકાદાઓ રજૂ કર્યા હતા અને ખાસ કરીને વીમા કંપની પણ વળતર ચૂકવવા જવાબદાર છે તે અંગે ઝીણવટભરી દલીલો કરી હતી.
નામદાર અદાલત દ્વારા વકીલ વિરલ રાચ્છની દલીલોને માન્ય રાખવામાં આવી હતી અને અરજદારોના લાભમાં ₹૫,૭૬,૨૦૦/- એટલે કે વ્યાજ મળીને આશરે ₹૧૫,૬૦,૦૦૦/- (પંદર લાખ સાંઈઠ હજાર રૂપિયા) ચૂકવવા વીમા કંપની વિરુદ્ધ હુકમ કરવામાં આવ્યો છે.
ગુજ. કરણાભાઈ રાજશીભાઈના વારસદારો વતી વકીલ વિરલ એસ. રાચ્છ, સોહીલ બેલીમ, સોનલબેન મહેતા, વાશ્વી શેઠ, સલમાન શેખ અને પ્રાંજલ શાહ રોકાયેલા હતા. આ ચુકાદો હિટ એન્ડ રન કેસોમાં પીડિતોને ન્યાય અપાવવા માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ પૂરું પાડે છે.

 

(11:35 AM IST)