તા. ૧૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૧ બુધવાર
News of Wednesday, 23rd July 2025
મોરબીના શકત શનાળા પાસે રાત્રે 10 વાગ્યાની આસપાસ રૂ. સાડા ત્રણ લાખની લૂંટ.
રૂ. 3.50 લાખ રોકડ ભરેલો થેલો ઝપાઝપી કરી ઝૂંટવીને ભાગી ગયો :ઝપાઝપીમાં થેલો પણ તૂટી ગયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં શનાળા પાસે રાત્રીના સમયે લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક શખ્સ રૂ. 3.50 લાખ રોકડ ભરેલો થેલો ઝપાઝપી કરી ઝૂંટવીને ભાગી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોરબીમાં શનાળા પાસે લીમડાવાળા મેલડી માના મંદિરે આજે રાત્રીના 9:45 વાગ્યાના અરસામાં ઘનશ્યામભાઈ સોરાણી નામના વ્યક્તિ હાથમાં થેલો લઈને ઉભા હતા. આ થેલામાં રૂ.3.50 લાખ રોકડા હતા. આ વેળાએ એક શખ્સ ત્યાં આવ્યો હતો અને થેલો ઝુટવાનો પ્રયત્ન કર્યો હતો. બન્ને વચ્ચે થોડી ઝપાઝપી પણ થઈ હતી. બાદમાં આ શખ્સ થેલો ઝૂંટવી ત્યાંથી ભાગી ગયો હતો.
આ મામલે ભોગ બનનાર ઘનશ્યામભાઈ સુરાણીએ કહ્યું કે હું અહીં પાછળ જ રહું છું. અહીં ઉભો હતો ત્યારે એક શખ્સે આવીને થેલો ઝૂંટવી લીધો હતો. મે એક હાથે થેલો પકડ્યો હતો અને એક હાથે લડત આપી હતી. ઝપાઝપી થઈ હતી. થેલો પણ તૂટી ગયો અને તે શખ્સ થેલો લઈને ફરાર થઇ ગયો હતો. આ મામલે એ ડિવિઝન પીઆઈ રાકેશ પટેલે જણાવ્યું કે આ મામલે માહિતી મળી છે. તપાસ ચાલુ છે. બીજી તરફ એ ડિવિઝન ઉપરાંત એલસીબી, એસઓજી સહિતની પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
