News of Monday, 21st July 2025
મુસાફરોની સુરક્ષા સાથે ગંભીર ચેડાં: ક્ષતિગ્રસ્ત બસને દોડાવવા બદલ જામનગર GSRTC ધ્રોલના ડેપો મેનેજર સસ્પેન્ડ
ટાયર બ્લાસ્ટ થવાથી બસનું પતરું તૂટી ગયું હોવા છતાં, સમારકામ વિના બસને રૂટ પર દોડાવવાનો ગંભીર ગુનો દાખલઃ સોશિયલ મીડિયામાં ઘટના વાયરલ થયા બાદ એસ.ટી. તંત્ર હરકતમાં આવ્યું, વિભાગીય ઈજનેરે શિસ્તભંગના આકરા પગલાં લીધા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૧: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના જામનગર વિભાગમાં મુસાફરોની સુરક્ષાને નેવે મૂકીને ગંભીર બેદરકારી દાખવવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તારીખ ૧૮-૦૭-૨૦૨૫ ના રોજ, ક્ષતિગ્રસ્ત બસને સમારકામ કરાવ્યા વગર જ રૂટ પર દોડાવવાની પરવાનગી આપવા બદલ, ધ્રોલ ડેપોના મેનેજરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાએ એસ.ટી. નિગમની કામગીરી અને મુસાફરોની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
બનાવની વિગતવાર હકીકત એવી છે કે, દ્વારકા કેન્દ્રની બસ નંબર જીજે-૧૮-જેડ- ૬૯૯૬, જે દ્વારકા-રાજકોટ રૂટ પર કાર્યરત હતી, તેમાં મુસાફરી દરમિયાન ડાબી બાજુના પાછળના ભાગનું અંદરનું ટાયર અચાનક બ્લાસ્ટ થયું હતું. ટાયર ફાટવાનો ધડાકો એટલો પ્રચંડ હતો કે તેના કારણે બસની અંદરનું ધાતુનું પતરું પણ તૂટી ગયું હતું, જેનાથી બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બસના ફરજ પરના ડ્રાઈવરે પરિસ્થિતિની ગંભીરતાને સમજીને બસને ધ્રોલ ડેપોના વર્કશોપ ખાતે લાવીને તાત્કાલિક સમારકામ માટે રજૂઆત કરી હતી.
આ સમયે ધ્રોલ ડેપો ખાતે ડેપો મેનેજર - ‘બી' તરીકે રફિક એ. શેખ ફરજ પર હાજર હતા. ડ્રાઈવર દ્વારા વાહનની ગંભીર ખામી અને તેનાથી મુસાફરોની સલામતી સામે ઉભા થયેલા જોખમ અંગે વાકેફ કરવા છતાં, ડેપો મેનેજર રફિક એ. શેખ દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. એક જવાબદાર અધિકારી તરીકે તાત્કાલિક બસનું સમારકામ કરાવવાની પોતાની ફરજ નિભાવવાને બદલે, તેમણે કોઈપણ પ્રકારની તકેદારી દાખવ્યા વગર, તે જ ગંભીર ખામીયુક્ત અને જોખમી વાહનને રૂટ પૂર્ણ કરવા માટે ડ્રાઈવરને પરત સોંપી દીધું હતું.
આ ગંભીર બેદરકારીનો વીડિયો અને તસ્વીરો કોઈ જાગળત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાતા તે વાયુવેગે વાયરલ થઈ ગઈ હતી. જેના કારણે પ્રવાસી જનતામાં એસ.ટી. નિગમની છબી ખરડાઈ હતી અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા, જામનગર વિભાગીય યંત્રાલય, જે કાલાવડ નાકા બહાર, જામનગર - ૩૬૧૦૦૫ ખાતે આવેલું છે, ત્યાંથી ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ રફિક એ. શેખની ગંભીર બેદરકારી અને ફરજ પ્રત્યેની નિષ્કાળજી સ્પષ્ટપણે દેખાઈ આવતા, યોગ્ય સત્તાધિકારી અને વિભાગીય યાંત્રિક ઈજનેર એસ.કે. કલોલા દ્વારા સર્વિસ રેગ્યુલેશન કલમ નંબર ૮૦ તથા ૮૨ હેઠળ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કરીને, રફિક એ. શેખને તાત્કાલિક અસરથી ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો છે.
સસ્પેન્શનના હુકમ અનુસાર, રફિક એ. શેખને સસ્પેન્શનના સમયગાળા દરમિયાન જામજોધપુર ખાતેના એસ.ટી. ડેપોમાં ડેપો મેનેજર ‘‘એ''સમક્ષ હાજરી આપવાનો આદેશ કરાયો છે. આ સમયગાળામાં તેમને નિયમ મુજબ ૫૦% પગાર નિર્વાહ ભથ્થા તરીકે ચૂકવવામાં આવશે. તેમણે દરરોજ સવારે ૦૯:૦૦ થી સાંજે ૧૭:૩૦ કલાક સુધી જામજોધપુર ડેપોમાં હાજરી પુરાવવી પડશે અને ત્યાંના ડેપો મેનેજરની પૂર્વ મંજૂરી વિના તેઓ હેડક્વાર્ટર છોડી શકશે નહીં. આકરા પગલાં દ્વારા નિગમે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મુસાફરોની સુરક્ષા સાથેની કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.(૨.૧૧)
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
