તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
ગાંધીધામના આંગડિયા પેઢીના માલિકના અપહરણ કેસનો ભેદ ઉકેલાયો : મોરબીનો હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા માસ્ટર માઈન્ડ : રાજસ્થાનની કુખ્યાત ગેંગની સંડોવણી!
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનાનો પર્દાફાશ કર્યો : રાજસ્થાનનો એક આરોપી ઝડપાયો: અપહરણનો મુખ્ય હેતુ ખંડણી હતો કે અન્ય કારણો, તે અંગેની પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા

વિનોદ ગાલા દ્વારા, ભુજ, : કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર ગાંધીધામની આંગડિયા પેઢીના માલિકના અપહરણ કેસનો પૂર્વ કચ્છ પોલીસે ભેદ ઉકેલી લીધો છે. આ ઘટના પાછળ મોરબીના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલાનું નામ મુખ્ય સુત્રધાર તરીકે ખુલ્યું છે, જ્યારે રાજસ્થાનની એક કુખ્યાત ગેંગની પણ આ ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પત્રકારોને સમગ્ર અપહરણ કાંડની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ બનાવની જાણ થતાં જ પોલીસની એક ટીમ ટેકનિકલ સર્વેલન્સના આધારે અપહરણકારોનો સતત પીછો કરી રહી હતી. પોલીસ પાછળ પડી હોવાનું આરોપીઓ જાણી જતાં, બંદૂકની અણીએ કેતનભાઈ કાંકરેચાનું અપહરણ કરનારા આરોપીઓ સામખિયાળીના અંદરના ભાગે આવેલા જંગી ગામ નજીક કાર સાથે કેતનભાઈને છોડીને નાસી ગયા હતા. જ્યાંથી પોલીસે કેતનભાઈને સુરક્ષિત રીતે શોધી લીધા હતા.
પોલીસની સતર્કતા સાથેની નાકાબંધી અને સઘન તપાસના પરિણામે, પવન કિશનલાલ બરોર નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. મૂળ રાજસ્થાનના આ આરોપીની પૂછપરછમાં આ કેસની તમામ કડીઓ એક પછી એક ખુલી હતી.
માસ્ટર માઈન્ડ મોરબીનો હિતુભા ઝાલા:
પોલીસે આપેલી સત્તાવાર વિગતો મુજબ, આ કેસમાં મુખ્ય સુત્રધાર તરીકે મોરબીના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા નામના આરોપીનું નામ બહાર આવ્યું છે. વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હિતુભા ઉર્ફે હિતેન્દ્રસિંહ ઝાલાના બોડીગાર્ડ તરીકે રહેલા આરોપી તુશાંત ઉર્ફે સુરજ ઉર્ફે ટાઈગર લેખરાજ વાસુએ પોતાના વતન રાજસ્થાનથી કુખ્યાત આરોપીઓની ગેંગને બોલાવી હતી. રાજસ્થાનથી આરોપીઓ શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોઢા, આકાશ નિરંજનસિંહ રાજપુત, અજય અને ભૈયાજી નામના માણસો મોરબી આવ્યા હતા.
અપહરણની રીત અને નિષ્ફળ કાવતરું:
આ પછી, રાજસ્થાની ગેંગે આંગડિયા પેઢીના માલિક કેતનભાઈના ઘર અને ઓફિસની વિગતવાર રેકી કરી હતી. રેકી કરાયા બાદ, અપહરણને અંજામ આપી ધોળે દિવસે બંદૂકની અણીએ તેમનું સ્વીફ્ટ કારમાં અપહરણ કરાયું હતું. આ સમયે, બીજી કાર વડે અન્ય એક આરોપી સતત તેમની પાછળ રહીને તેમની ઉપર નજર રાખી રહ્યો હતો. મૂળ યોજના મુજબ, આરોપીઓએ અપહરણ કર્યા બાદ કેતનભાઈને મોરબી ખાતે માસ્ટર માઈન્ડ હિતુભા ઝાલાના ફાર્મમાં લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, પોલીસે સતર્કતા સાથે પીછો કરી આ સમગ્ર પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો.
પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની સઘન શોધખોળ ચલાવી રહી છે. આ કેસની તપાસમાં હજુ વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે. અપહરણનો મુખ્ય હેતુ ખંડણી હતો કે બીજા કોઈ કારણો હતા, તે અન્ય આરોપીઓની ધરપકડ અને વધુ પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે.
ઉલ્લેખનીય છે કે, ગતરોજ આ કેસમાં ભોગ બનનારે અપહરણ સમયે તેમનો આઈફોન, સોનાની ચેન, બ્રાન્ડેડ ઘડિયાળ અને રોકડ મળીને કુલ રૂપિયા લાખની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવી હતી.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
