તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
વાંકાનેર જાલસીકાના યુવાનને સાયબર ક્રાઇમમાં હાજર થવાનો ફોન આવતાં ઝેરી દવા પી લીધી
બોગસ આઇડી સંદર્ભે પુછતાછ માટે બોલાવાયો હતોઃ ગભરાઇને પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૯: વાંકાનેરના જાલસીકા ગામે રહેતાં લાખાભાઇ મછાભાઇ ગમારા (ઉ.વ.૩૭) નામના પશુપાલક યુવાનને સાયબર ક્રાઇમ પોલીસે પુછતાછ માટે હાજર થવા ફોન કરતાં તેણે ગભરાઇને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
જાણવા મળ્યા મુજબ જાલસીકા ગામે રહેતો લાખાભાઇ ગમારા રાતે એકાદ વાગ્યે ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર લાખાભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટો છે. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. સગાના કહેવા મુજબ લાખાભાઇના નામે કોઇએ ફેક આઇડી બનાવી હતી. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસમાં આવી જવાબ લખાવવા બાબતે ગત સાંજે ફોન આવ્યો હતો. આજે તેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું હતું. પણ પોતાની સામે કાર્યવાહી થશે તેવો ભય લાગતાં તેણે આ પગલુ ભર્યુ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
