તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
પોરબંદર : સરાડિયા- વાંસજાળિયા નવી રેલવે લાઇન માટે સર્વેને મંજુરી
ડો.મનસુખભાઇ માંડવિયાના પ્રયાસો બાદ નવી રેલવે લાઇન માટે ફાઇનલ લોકેશન માન્ય

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૯: સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાના પ્રયાસોથી સરડીયા-વાંસજાલિયા નવી રેલવે લાઇનના અંતિમ સ્થાન સર્વેને મંજૂરી અપાઇ છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, સરાડીયા અને વાંસજાળિયા વચ્ચેની આ નવી લાઇન ૪૫ કિલોમીટર લાંબી હશે. આ લાઇન શરૂ થવાથી ગુજરાતના સૌરાષ્ટ્રના દૂરના વિસ્તારોમાં ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક વિકાસને વેગ મળશે. આ વિસ્તાર ભારતીય રેલવેના મુખ્ય પ્રવાહ સાથે જોડાશે, જેનાથી અહીંના લોકોને રેલવે દ્વારા દેશના અન્ય વિસ્તારોમાં મુસાફરી કરવાની સુવિધા મળશે.
આ નવી લાઇન સોમનાથ-દ્વારકા-ઓખા-પોરબંદરને જોડતો એક વધારાનો અને ટૂંકો માર્ગ ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત, તે ગિરનાર, સોમનાથ અને દ્વારકા જેવા મહર્ત્વ તીર્થ સ્થાનો માટે વધારાનો માર્ગ પૂરો પાડશે, જેનાથી યાત્રીકો માટે મુસાફરી વધુ સુગમ બનશે. આ પ્રોજેક્ટ ભારતીય રેલવેના ‘‘સબકા સાથ, સબકા વિકાસ'' ના સિદ્ધાંતને અનુરૂપ સર્વ સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપશે.
સરાડીયા ગામ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલું છે, જ્યારે વાંસજાળિયા રેલવે સ્ટેશન ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં આવેલું છે અને પોરબંદરથી ૩૪ કિમી દૂર છે. આ રેલવે સ્ટેશન પર પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોને પણ સ્ટોપેજ આપવામાં આવેલ છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
