<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

ગોકુળીયા ગોંડલે સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૪ માં રાજકોટ ઝોનમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૯: કેન્‍દ્ર સરકારના સ્‍વચ્‍છ ભારત મિશન (શહેરી) હેઠળ હાથ ધરવામાં આવેલા સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૪ ના પરિણામો તાજેતરમાં જાહેર કરવામાં આવ્‍યા છે. આ સર્વેક્ષણમાં, રાજકોટ ઝોનની મધ્‍યમ કદના શહેરોની શ્રેણીમાં ગોંડલ નગરપાલિકાએ પ્રથમ ક્રમાંક મેળવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

આ ઝોનમાં સમાવિષ્ટ ૩૦  નગરપાલિકાઓમાં ગોંડલે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે શહેરની સ્‍વચ્‍છતા માટેના વિવિધ માપદંડો, જેમાં ડોર-ટુ-ડોર કચરાનું સંગ્રહ, કચરાનું પ્રોસેસિંગ, અને ગંદા પાણીના નિકાલ માટે સ્‍થાપવામાં આવેલ સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટની કામગીરીનો સમાવેશ થાય છે તેના આધારે આ મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું.

આ વર્ષે ગોંડલને પ્રથમ વખત વોટર પ્‍લસ કેટેગરીમાં પણ સ્‍થાન મળ્‍યું છે, જે શહેરના ગંદા પાણીના શુદ્ધિકરણ અને પુનઃઉપયોગની વ્‍યવસ્‍થાની સફળતા દર્શાવે છે. સર્વેક્ષણ પ્રક્રિયાના ભાગરૂપે, સ્‍થાનિક રહેવાસીઓ પાસેથી પણ પ્રતિભાવ લેવામાં આવ્‍યા હતા, જેણે ગોંડલના ઉચ્‍ચ ક્રમાંકમાં ફાળો આપ્‍યો હતો.

ગોંડલે આ સર્વેક્ષણમાં કુલ ૧૨૫૦૦ માંથી ૯૧૦૦ સ્‍કોર મેળવ્‍યો છે. રાજ્‍ય સ્‍તરે, મધ્‍યમ કદના શહેરોમાં ગોંડલ ૩૫મા ક્રમે રહ્યું છે, જ્‍યારે રાષ્‍ટ્રીય સ્‍તરે તેને ૯૮મું સ્‍થાન પ્રાપ્ત થયું છે. શહેરના સત્તાવાળાઓએ આ સિદ્ધિનો શ્રેય નાગરિકોના સહયોગ અને સફાઈ કર્મચારીઓની મહેનતને આપ્‍યો છે તેમના જણાવ્‍યા મુજબ, દરેક વોર્ડમાં સ્‍વચ્‍છતાના નિર્ધારિત માપદંડોનું સખતપણે પાલન કરવામાં આવ્‍યું છે, જેના પરિણામે આ ગૌરવપૂર્ણ સ્‍થાન પ્રાપ્ત થયું છે. (રર.૪)

(10:14 AM IST)