<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

કચ્છના ચિત્રોડ ગામે દેશી દારૂ પીધા બાદ યુવાનનું શંકાસ્પદ મોત: ઠેર ઠેર દારૂના હાટડા સામે લોકોનો રોષ

ત્રણ દીકરીઓએ પિતાનું છત્ર ગુમાવ્યું, પરિવારજનો તેમ જ ગામ લોકોની ધરણાની ચીમકી સાથે પોલીસ સામે હલ્લાબોલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ :  એક બાજુ કચ્છમાંથી કરોડો રૂપિયાનો દારૂ સ્થાનિક પોલીસની જાણ બહાર સ્ટેટ મોનિટરિંગ પોલીસ ઝડપે છે બીજી બાજુ અનેક ગામોમાં દારૂની બદી સામે વિરોધ સાથે જનતા રેડ પણ પડે છે. દારૂબંધી ધરાવતા ગાંધીના ગુજરાતમાં સરકાર અને ગૃહમંત્રી બંને કડક કાર્યવાહીની જાહેરાતો કરે છે. છતાંય દારૂનો ગેરકાયદે ધંધો બેરોકટોક ચાલે છે. આ વર્તમાન પરિસ્થિતિ વચ્ચે રાપર તા.ના ચિત્રોડ ગામે દારૂ પી ને સૂઈ ગયા બાદ તુલસી દેવા ગોહિલ નામના યુવાનના મોતને પગલે ચકચાર મચી જવા પામી છે. ત્રણ દીકરીઓના પિતા એવા મૃતક તુલસી ગોહિલને દેશી દારૂ પીવાની લત હતી. દારૂ પી ને તે સૂઈ ગયા બાદ પરિવારજનોએ તેને જમવા ઉઠાડવા કોશિશ કરી પણ તે ઉઠ્યો ન્હોતો. એટલે સારવાર માટે લઈ જવાતા તેનું મોત થયું હોવાનું ડોક્ટરે જાહેર કર્યું હતું. આ સમાચારને પગલે ગામમાં અરેરાટી છવાઈ હતી. બાદમાં મૃતકના પરિવારજનો અને સામાજિક આગેવાનો દેશી દારૂની બદી સામે આક્રોશ દર્શાવી રાપર સરકારી હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. દારૂના ધમધમતા હાટડાઓ સામે લોકોનો આક્રોશ નિહાળી પોલીસ દોડતી થઈ હતી. રાપર, આડેસર, ગાગોદરનો પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો. એક તબક્કે લઠ્ઠા કાંડનો આક્ષેપ થતા મામલો ગરમાયો હતો. જોકે, પોલીસે સમજદારી સાથે કામ લઈ મામલો શાંત પાડવાનો પ્રયાસ કરી અને મૃતકના પીએમ રિપોર્ટની કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન ફરી એક વાર ગામડાઓ સુધી વ્યાપક બનેલ દેશી દારૂની બદી સાથે લોકોમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યો છે.

(9:30 AM IST)