તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
ભાવનગરના શાસ્ત્રીય સંગીતની ઘરોહરના આભૂષણો પૈકીના રસિકભાઇ અંધારિયાની આજે પુણ્યતિથિ : કિરાના ઘરાનાની ગાયકીનું દેશનું આભૂષણ અને સંગીતના સૂરમણિ હતા
૧૩ ઓક્ટોબર ૧૯૩૧ના ભાવનગરમાં જન્મેલા રસિકભાઇએ તેની ૬૦ વર્ષની સાંગીતિક કારકિર્દીમાં અઢળક એવોર્ડઝ અને બહુમાનો પ્રાપ્ત કર્યા હતા : HMV એ રસિકભાઇની બે LP રેકોર્ડ બહાર પાડી છે. એકમાં તેમણે રાગ લલિત અને ગોરખ કલ્યાણ અને બીજા ભાગમાં રાગ મારવા અને દરબારી રજૂ કર્યા છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : ૧૯મી જૂલાઇ અને ૨૧મી જૂલાઇ ૧૯૮૪નો દિવસની એ અણગમતી પળોને યાદ કરી ભાવનગરના જ નહીં પરંતુ દેશની શાસ્ત્રીય સંગીતની ઘરોહરના આભૂષણો પૈકીના સૂરમણિ શ્રી રસિકભાઇ અંધારિયાને સ્મરણવા છે. ૨૦મી જૂલાઇએ રાજાબાબુએ રમેશભાઇ ઓઝાને સમાચાર આપ્યા કે રસિકલાલ અંધારિયાનું ૧૯ જૂલાઇએ લંડનમાં અવસાન થયું છે અને ૨૧મી જૂલાઇએ સવારે તેમનું ડેડબોડી કોફિનમાં ભાવનગર એરપોર્ટ ઉપર આવશે. હું રમેશભાઇ સાથે ગયો હતો. બોલવામાં બહુ જ સ્પષ્ટ અને સ્વભાવે એટલા જ હસમુખા મુ. રસિકભાઇ સાથે વલ્લભ વિદ્યાનગર કરેલા બસ પ્રવાસની વાતો તેમને સ્મરણાંજલિ રુપે પ્રસ્તુત કરી છે.
તેમણે પોતાની જ વાત કરતા કહેલું કે ’માણેકવાડીમાં મારા પડોશીઓ મને ઘણીવાર કહેતા કે રસિકભાઇ તમે જો રાત્રે રિઆઝ કરો તો અમને ગમે, મને લાગ્યું કે તેઓ ખરેખર શાસ્ત્રીય સંગીતના શોખિન હશે. એટલે મેં પુછ્યું કે ક્યો રાગ સાંભળવો તમને ગમે? તો તેમણે કહ્યું કે તમે ગમે તે ગાઓ, અને જે પણ ગાશો તો અમારા છોકરા વ્હેલા ઉંઘી જશે.’ ભાવનગરના ’સૂરમણિ’ રસિકભાઇ અંધારીયાના પોતાની જાત ઉપર પણ મજાક કરી લેવાના મિજાજનો પ્રથમવાર પરિચય મને તેમની સાથે ભાવનગરથી વલ્લભ વિદ્યાનગર સુધીના પ્રવાસ દરમિયાન થયો હતો. વલ્લભ વિદ્યાનગરમાં યોજાયેલા રાજ્ય યુવક મહોત્સવમાં તેઓ શાસ્ત્રીય સંગીતની સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હતા.
એ વરસોમાં ભાવનગરથી વલ્લભ વિદ્યાનગરની કોઇપણ સીધી બસ સેવા ન હતી. રાજ્ય યુવક મહોત્સવમાં ભાગ લેવા સ્પર્ધકો માટે પ્રતિ વર્ષ ભાવનગર જીલ્લા વ્યાયામ મંડળના બેકબોન નટુકાકા (નટુભાઇ પારેખ) દર વર્ષે સ્પેશ્યલ બસની સુવિધા કરી આપતા. આ બસમાં તેમની બાજુમાં બેસીને રસિકભાઇના વ્યક્તિત્વને જાણવાની પહેલી અને છેલ્લી તક મને મળેલી. તેમણે નવી પેઢીને સંગીત શીખવા સંબંધી ઘણી વાતો કરી હતી. તે પૈકી એક મહત્વની શીખ એ હતી કે જો ગાયક તરીકે આગળ વધવું હોય તો શરુઆત હંમેશા તાનપુરા સાથે ’સા’ ભરવાથી કરવી જોઇએ. હાર્મોનિયમ તો એક સપોર્ટીવ વાદ્ય છે. સાચું વોઇસ કલ્ચર તાનપુરાથી ડેવલપ થાય છે. ભાવનગરની માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલમાં આજીવન સંગીત શિક્ષક તરીકે રહેલા રસિકભાઇ અંધારિયા કદમાં વામન પણ સંગીતમાં તેમની ઉંચાઇ ગગનચૂંબી હતી. એ વરસોમાં તેમના દાદા મગનલાલની અટક અંધારિયા નહીં પણ મલ્હારિયા પડી ગયેલી. આ વાત કરતા રસિકભાઇએ કહ્યું હતું કે ભાવનગરના રાજવી ભાવસિંહજી એક રાજગાયકના નાતે તેમને મલ્હાર રાગ ગાવા ફરમાઇશ કરતા એટલે તેમને બધા મલ્હારિયા કહેતા. તેમણે કહેલું કે આપણું ગામ ભાગ્યશાળી છે કે આપણને પેઢી દર પેઢી સંગીતના પોષક રાજવીઓ મળ્યા છે, આજે પણ આ રાજવી પરિવારે શ્રેય સંગીતને પોષવાનો અને પોંખવાનો વારસો જાળવી રાખ્યો છે. રસિકભાઇના શિષ્ય એવા ૮૯ વરસે પણ તરોતાજા મહમદભાઇ દેખૈયાએ કહ્યું કે હું જ્યારે કાર્યબોજથી થાકું ત્યારે મોટાભાગે રાત્રે તેમની પાસે જતો રહેતો અને દર વખતે કંઇક નવી શીખ સાથે તેમના માણેકવાડીના ઘરની બહાર નીકળતો. એવું કહેવાય છે કે કિરાના ઘરાનાના સ્થાપક અબ્દુલ કરીમ ખાન સાહેબ હતા. મૂળ તો કિરાના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં પાણીપતની નજીક આવેલા એક ગામનું નામ છે. ત્યાં શર થયેલી ગુરુ શિષ્ય પરંપરાને અબ્દુલ કરીમ ખાન સાહેબે લોકપ્રિય કરી આથી આ પરંપરા કિરાના ઘરાના તરીકે પ્રસ્થાપિત થઇ.તેમના પુત્ર અબ્દુલ વાહીદખાન અને અન્ય શિષ્યોએ આ ઘરાનાને જગમશહૂર બનાવ્યો. ધીર ગંભીર ગાયકી તેની વિશેષતા છે. તો હ્દયસ્પર્શી અને મધુર સ્વરગુંથણી આ ઘરાનાની ખુબી છે. આ ઘરાનાના ગાયકો તાનબાજીની કસરતની તુલનાએ આલાયને વધુ મહત્વ આપતા રહ્યા છે. એ વરસોમાં ઉસ્તાદ આમિરખાનની કિરાના ઘરાનાની ગાયકીની પ્રસ્તુતિથી ૧૨-૧૩ વર્ષની છોકરમત વયે આકર્ષાયેલા રસિકભાઇના સંગીત પ્રત્યેના અનુરાગને જોઇને મોટાભાઇ બાબુભાઇએ તેને સંગીતની તાલિમ આપી અને ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયની અલંકારની ઉપાધિ સાથે ભેટો કરાવ્યો. આ વયે તેમણે આ ઘરાનાને લઇ પ્રથમ સોલો કાર્યક્રમ રજૂ કરી લોકોની જબરી દાદ મેળવી હતી. આ દાદે તેમના હોંસલાને નવી ઉંચાઇનો માર્ગ ચિંધ્યો. રાગના આરોહ-અવરોહને આલાપદારીથી શ્રોતાઓને સમજાવવાની રસિકભાઇની લાક્ષણિક્તા શ્રોતાઓના હૃ્દય સોંસરવી ઉતરતી એટલે તેમનો શ્રોતા વર્ગ દેશ વિદેશમાં સતત વધતો રહેતો. રાગ નંદ, હંસદ્વનિ, મધુસ્વરાવલી, પ્રતાપ વરાલી જેવા ક્યારેય ઘણા લોકોના કાને નહી પડેલા રાગોની પ્રસ્તુતિએ શાસ્તીય સંગીતમાં તેમના ઉંડાણનો પરિચય કરાવ્યો હતો. તેમની પસંદગીના મુખ્ય રાગોમાં લલિત, ગોરખ કલ્યાણ, મારવા, દરબારી, મેઘ મલ્હાર, જયંત મલ્હાર, કલાવતી, યમન, ચંદ્રપ્રભા, ચંદ્રકૌંસ, ઓડવ બાગેશ્રી, ભીન્ન રાગેશ્રી, માલકૌંસ, બૈરાગી, જોગિયા, મંગલ ભૈરવ, ભટિયાર, સોહિણી, ભટિયાર, ધ્રુવન બિહાર, ધ્રુવન, મારુ બસંત, શ્યામ દેશ અને સલાગ વરાલી કિરવાણી, શિવરંજની, ધની, અડાણા રહ્યા હતા. અજાણ્યા રાગો પ્રસ્તુત કરવાની તેમની આજીવન વિશેષ ખાસિયત રહી હતી. એવું તેમના દીકરી અને હાલ પિતાનો વારસો આગળ વધારતી શિલ્પા અંધારીયાએ લખેલા એક લેખમાં ઉલ્લેખ્યું છે. રસિકભાઇ આકાશવાણી પર A+ ગ્રેડના કલાકાર બાદ તેઓને રાષ્ટ્રીય કલાકાર તરીકે માન્યતા પ્રાપ્ત થઇ હતી.. તેમના સંગીત કાર્યક્રમો આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા, મુંબઈ, લખનૌ, દિલ્હી અને કોલકાતા કેન્દ્રો પર રેકોર્ડ કરવામાં આવ્યા છે. જે સમયાંતરે પ્રસારિત થાય છે.
૧૩ ઓક્ટોબર ૧૯૩૧ના ભાવનગરમાં જન્મેલા રસિકભાઇએ તેની ૬૦ વર્ષની સાંગીતિક કારકિર્દીમાં અઢળક એવોર્ડઝ અને બહુમાનો પ્રાપ્ત કર્યા છે. HMV એ રસિકભાઇની બે LP રેકોર્ડ બહાર પાડી છે. એકમાં તેમણે રાગ લલિત અને ગોરખ કલ્યાણ અને બીજા ભાગમાં રાગ મારવા અને દરબારી રજૂ કર્યા છે. મોટભાગે લાભુભાઇ પુરોહિત તેમની સાથે તબલા સંગત કરતા.
તેમની પાસે શાસ્ત્રીય સંગીતની શિક્ષા પ્રાપ્ત કરનાર મુંબઇના સુગમ સંગીત ક્ષેત્રની આગવી હરોળની ગાયિકા સુશ્રી રેખા ત્રિવેદી-ભટ્ટે જણાવ્યું હતું કે તેમને ભાવનગરના એક શિષ્ય તરીકે છેલ્લે મળનાર હું હતી, તેમના લંડન પ્રવાસ માટે મુંબઇ એરપોર્ટ ઉપર તેમને મૂકવા હું તેમની સાથે કારમાં ગઇ તે વખતે તેમણે કહેલું કે ’લંડનથી પરત આવી હું મુંબ્ઇમાં સ્થાયી થવા ઇચ્છું છું અને આ માટેની વ્યવસ્થા મુંબઇના મારા સ્નેહી મિત્ર નવિનચંદ્ર છોટાલાલ મદનજી પારેખ કરવાના છે. રસિકભાઇ સાથે મારી એરપોર્ટ સુધીની આ છેલ્લી સફર મને આજે પણ યાદ છે. રેખાએ ઉમેર્યું કે નવીનચંદ્ર પારેખ ગત ફેબ્રુઆરીમાં જ અરિહંતશરણ થયાના સમાચાર વાંચ્યા ત્યારે મનોમન રસિકભાઇ યાદ આવ્યા હતા. (ખાસ લેખ: યજ્ઞેશ આચાર્ય, ભાવનગર, રજૂઆત: વિનોદ ગાલા, ભુજ)
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
