News of Thursday, 17th July 2025
હજુ એક અઠવાડિયું વરાપ નિકળશે
જુલાઈ અંતમા બંગાળની ખાડીમાં સિસ્ટમ્સ સર્જાશેઃ હવામાન નિષ્ણાત રમેશ બસીયા

(જયેશ ભટાસણા) ટંકારાઃ હવામાનનો અંદાજ આપતા રમેશ બસીયા (નાના ખીજડીયા) એ જણાવ્યું હતું કે ૧૭ જુલાઈથી ૨૨ જુલાઈ દરમિયાન ગુજરાતમાં હળવા ઝાપટા ને બાદ કરતા મોટા વરસાદની કોઈ સંભાવના નથી. હાલમાં બિહાર અને ઉત્તર પ્રદેશની ઉપર એક લો-પ્રેશર સિસ્ટમ્સ સક્રિય છે, જ્યારે બીજી સિસ્ટમ્સ ઉત્તર રાજસ્થાનમાં છે. આ બંને સિસ્ટમો ગુજરાત પર નોંધપાત્ર અસર કરે તેવી શકયતા ઓછી છે.
ચોમાસાની ધરી હાલ ઉત્તર રાજસ્થાનથી ઉત્તર પ્રદેશની લો-પ્રેશર સિસ્ટમ્સ થઈને બંગાળની ખાડી તરફ ગતિ કરી રહી છે. મોરબી સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન કેટલાક દિવસોમાં હળવો વરસાદ થઈ શકે છે. તાપમાન ૩૨ થી ૩૫ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શકયતા છે. ભેજનું પ્રમાણ કેટલાક દિવસોમાં ઓછું અને કેટલાક દિવસોમાં વધુ રહેશે, જેના કારણે બફારો અનુભવાઈ શકે છે.
અંદાજ મુજબ, ૨૩ જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ્સ બનવાની શકયતા છે. આ સિસ્ટમ્સ બે દિવસ સુધી તે વિસ્તારમાં રહીને મજબૂત બની શકે છે. ૨૫ કે ૨૬ જુલાઈ સુધીમાં આ સિસ્ટમ્સ વેલ-માર્ક્ડ લો-પ્રેશર (WMLP) અથવા ડિપ્રેશનનું સ્વરૂપ લઈ શકે છે. જો આ સિસ્ટમ્સ ગુજરાત તરફ આગળ વધે, તો જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે. જો આ સિસ્ટમ્સ ઉત્તર દિશા તરફ ગતિ કરે, તો જુલાઈ મહિનામાં ગુજરાતમાં મોટા વરસાદની શકયતા નહિવત્ રહશે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
