<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

ધ્રોલના જોડીયા રોડ પર વરસાદી પાણીના નિકાલ અને બિસ્માર રોડ મામલે વેપારીઓનું આવેદન : ૨૪ કલાકમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી!

વર્ષોથી અવગણનાનો ભોગ બનતા વેપારીઓ અને વાહનચાલકો પરેશાન : દુકાનોમાં પાણી ઘૂસી જવાથી નુકસાન, અકસ્માતોનો ભય : નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગ સામે આક્રોશ

સંજય ડાંગર દ્વારા, ધ્રોલ, તા. 15 : ધ્રોલના જોડીયા રોડ પર ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના નિકાલ અને રોડની બિસ્માર હાલત મામલે સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોએ સત્તાવાળાઓને આવેદનપત્ર સુપરત કરીને ઉગ્ર રજૂઆત કરી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી ૨૪ કલાક એટલે કે, બુધવાર સવારના ૧૧:૦૦ વાગ્યા સુધીમાં આ ગંભીર પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં આવે, તો ના છૂટકે વેપારીઓને આંદોલન કરવાની ફરજ પડશે.
ધ્રોલના જોડીયા રોડના વેપારી દુકાનદારોના જણાવ્યા અનુસાર, ચોમાસામાં વરસાદના સમયે પાણી ભરાઈ જવાના પ્રશ્નનો નિકાલ વર્ષોથી થતો નથી. આ અંગે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી. દર વર્ષે આ રોડ પર વરસાદી પાણી ભરાઈ જાય છે, જેનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. જેના પરિણામે વેપારીઓની દુકાનોમાં પાણી અંદર ઘૂસી જાય છે અને તેમને મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે.
વર્ષોથી આવી જ સ્થિતિ પ્રવર્તી રહી છે. આ ઉપરાંત, આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને મુસાફરોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. ભરાયેલા પાણીમાંથી પસાર થતી વખતે વાહનોમાંથી ગંદુ પાણી ઉડે છે, જે રાહદારીઓ માટે અગવડ ઊભી કરે છે. એટલું જ નહીં, પાણી ભરાવાને કારણે નાના-મોટા ઘણા ટુ-વ્હીલર વાહનોના અકસ્માતો પણ થાય છે, જેનાથી જાનહાનિનો ભય રહે છે.
આ રોડ બાબતે અગાઉ ધ્રોલ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને અનેકવાર રજૂઆત કર્યા બાદ ફક્ત માટીકામ કરીને રોડનું સમારકામ કરવામાં આવે છે. પરંતુ વરસાદ પડ્યા બાદ ફરીથી રોડ પર મસમોટા ખાડા પડી જાય છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ આ બાબતે બધું જાણતા હોવા છતાં ઢાંકપિછોડો કરે છે અને કાયમી ઉકેલ લાવતા નથી.
આવેદનપત્રમાં ખાસ કરીને ધ્રોલના ત્રિકોણ બાગથી ચામુંડા પ્લોટ વિસ્તાર સુધીનો રોડ સાવ બિસ્માર હાલતમાં હોવાનું અને તેને નવો બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ રોડ પર વરસાદી પાણીનો ક્યાંય નિકાલ ન હોવાથી પાણી ભરાઈ રહે છે. ધ્રોલ નગરપાલિકા પર પણ આક્ષેપ કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે તે માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
જો ઉપરોક્ત પ્રશ્નનો નિકાલ આગામી ૨૪ કલાકમાં નહીં આવે તો વેપારીઓ અને દુકાનદારોને ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે તેમ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.

 

(5:14 PM IST)