<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

તાલાલાના થોરડીના અલ્‍તાફનું નજીકના જાંબુરમાં બેભાન થયા બાદ મોતઃ પરિવારને મૃત્‍યુ અંગે શંકા

મહોરમ નિમીતે જાંબુર સસરાને ત્‍યાં આટો મારી બાદમાં મિત્રના ઘરે ગયો હતોઃ મિત્રની અગાસીએ બેભાન થઇ ગયા બાદ રાજકોટમાં દમ તોડયોઃ મોત દારૂથી થયું કે અન્‍ય કોઇ કારણે? તેની તપાસ કરવા પરિવારની માંગણી : ૨૨ વર્ષિય અલ્‍તાફની એક વર્ષ પહેલા સગાઇ થઇ હતીઃ શાપર વેરાવળની ફેક્‍ટરીમાં નોકરી કરતો હતો

 

રાજકોટ તા. ૧૦: તાલાલા ગીરના થોરડી ગામે રહેતો યુવાન નજીકના જાંબુર ગામે મહોર્રમ નિમીતે સસરાના ઘરે આટો મારવા ગયા બાદ ત્‍યાંથી મિત્રના ઘરે ગયો હતો. જ્‍યાં અગાસી પર બેભાન થઇ જતાં તાલાલા, વેરાવળ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં અને  ત્‍યાંથી સિવિલમાં ખસેડાયો હતો. અહિ ગત સાંજે મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. એક વર્ષ પહેલા જ તેની સગાઇ થઇ હતી. પરિવારજનોએ મૃત્‍યુ અંગે શંકા દર્શાવી પોલીસ ઉંડી તપાસ કરી સત્‍ય બહાર લાવે તેવી માંગણી કરી છે.

જાણવા મળ્‍યા મુજબ થોરડી ગામે રહેતો અલ્‍તાફ ઇકબાલભાઇ ભાલીયા (ઉ.વ.૨૨) ગત તા. ૫ના રોજ થોરડી નજીકના જાંબુર ગામે સોસાયટી વિસ્‍તારમાં તેના કોઇ મિત્રની અગાસીએ હતો ત્‍યારે બેભાન થઇ જતાં તાલાલા, વેરાવળ સારવાર અપાવી રાજકોટ ગિરીરાજ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ બેભાન હાલતમાં જ તેનું મૃત્‍યુ થયું હતું.

અલ્‍તાફ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો અને રાજકોટના શાપર વેરાવળ ખાતે વાયરની ફેક્‍ટરીમાં નોકરી કરતો હતો. તેના કાકા હારૂનભાઇ ભાલીયાએ જણાવ્‍યું હતું કે અલતાફની સગાઇ જાંબુર ગામે એક વર્ષ પહેલા થઇ હતી. તે શાપરથી વતન થોરડી ખાતે આવ્‍યો હતો. ત્‍યાંથી જાંબુર સસરાને ત્‍યાં આટો મારવા ગયો હતો અને ત્‍યાંથી નીકળી ગયા પછી બીજા દિવસે અમને તે મિત્રને ત્‍યાં બેભાન થઇ ગયાની ખબર પડતાં તેને સારવાર માટે ખસેડયો હતો. જો કે તે ભાનમાં આવ્‍યો નહોતો. અમને એવી વાત મળી હતી કે તેણે વધુ ડ્રીંક્‍સ કરી લીધુ હતું. જો કે આ રીતે તે કોઇ દિવસ દારૂ પીતો નહોતો. મૃત્‍યુ બાબતે અમને શંકા હોઇ પોલીસ ઉંડી તપાસ કરી સત્‍ય સામે લાવે તેવી માંગણી છે. યુવાન દિકરાના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(1:09 PM IST)