News of Thursday, 10th July 2025
મિસ ડેક્લેરેશન દ્વારા ડીઝલ આયાતનું મોટું કૌભાંડઃ મુન્દ્રામાં ડીઆરઆઇએ ૧૨૦ કન્ટેનર ઝડપ્યાઃ કંડલા સુધી રેલો
બેઝ ઓઇલ બાદ ડીઝલની વ્હાઇટ કોલર દાણચોરી, એજન્સીઓ સંયુક્ત તપાસ કરે તો કરોડોનું કૌભાંડ ખુલે, દેશને ફોલી ખાતા દાણચોરો ઉપર કાયદાની લગામ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦: હવે આયાત નિકાસમાં કેન્દ્ર સરકારની ઉદાર નીતિનો લાભ લઈ મિસ ડિકલેરેશન (એક ને બદલે બીજો માલ છે એવું બતાવી) દ્વારા કરોડો રૂપિયાની ચોરી કરવાનો ખેલ વ્હાઇટ કોલર દાણચોરો કરી રહ્યા છે. દિલ્હી ડીઆરઆઈએ મુન્દ્રામાં ૧૨૦ કન્ટેનર અટકાવ્યા છે. ડીઝલ મંગાવવાના લાયસન્સ દેશની જાહેર ક્ષેત્રની કંપનીઓને જ છે. પરંતુ દાણચોરી કરનાર ગેંગ આયાત કરનારી કંપનીના ના નામે ડીઝલના કેમિકલ માળખામાં ફેરફાર કરી સરકાર દ્વારા જે કેમિકલ મંગાવવાની છૂટ હોય એ કેમિકલ આયાત કર્યું હોવાનું બતાવે છે. પરંતુ એની જગ્યાએ ખરેખર તેઓ ડીઝલ મંગાવી કાળા બજારમાં વેંચી ધૂમ કમાણી કરી દેશની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડે છે. ડીઝલનું કેમિકલ બંધારણ ૧૦ પીપીએમ છે પરંતુ વ્હાઈટ કોલર દાણચોરો એમાં નાનકડો ફેરફાર દર્શાવી અને કેમિકલની આયાત દર્શાવે છે. મુન્દ્રાની તપાસ બાદ રેલો કંડલા ફ્રી ટ્રેડ ઝોન (કાસેઝ) સુધી પહોંચે એવી પણ ચર્ચા છે.
સરકારે વ્હાઇટ કોલર દાણચોરી રોકવા એજન્સીઓની સયુંક્ત તપાસ સાથે ઇન્કમ ટેક્સ, સીજીએસટી જેવા ડિપાર્ટમેન્ટને જોડી બેંક ખાતાઓની તપાસ કરવી જોઈએ. વ્હાઇટ કોલર દાણચોરો સામે કડક કોર્ટ કાર્યવાહી પણ જરૂરી છે. દેશના ગદ્દારોને આકરી સજા થવી જ જોઈએ.(૪૦.૯)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
