તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
પૂર્વ કચ્છ પોલીસનો નશાખોરી સામે સપાટો : ૧૫૬ મેડિકલ અને અન્ય સ્ટોર્સમાં દરોડા : ગાંધીધામમાંથી ₹૯૫,૫૫૦ ની ૪૯૦ નશાકારક સીરપ બોટલો જપ્ત! : જુઓ વિડીયો
રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાયની સૂચનાથી કચ્છ IG ચીરાગ કોરડીયા અને SP સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી : ઈ-સિગારેટનો પણ એક કેસ દાખલ : વેપારીઓમાં ફફડાટ

ભુજ (વિનોદ ગાલા દ્વારા) : રાજ્યમાં નશાકારક પ્રવૃત્તિઓ અને યુવાનોમાં વધતા ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાયની સૂચના અનુસાર, શાળા-કોલેજોની આજુબાજુમાં આવેલા મેડિકલ સ્ટોર અને અન્ય સ્ટોરોમાં ચેકિંગ હાથ ધરી, નશાકારક સીરપ અને ગોળીઓનું ગેરકાયદેસર વેચાણ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવાની તાકીદ કરાઈ હતી.
આ સંદર્ભે, કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચીરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર (પૂર્વ કચ્છ) ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશાકારક સીરપ અને ગોળીઓનું ગેરકાયદેસર વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ તથા અન્ય સ્ટોર્સમાં કડક ચેકિંગ હાથ ધરવા પૂર્વ કચ્છના તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, પૂર્વ કચ્છ પોલીસે આજે અલગ અલગ ૫૨ ટીમો બનાવીને એકસાથે કાર્યવાહી હાથ ધરી હતી.
કાર્યવાહીની વિગતો:
પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ મેગા ઓપરેશનમાં કુલ ૧૫૬ મેડિકલ સ્ટોર્સ અને અન્ય સ્ટોર્સનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન, એક જાહેર જોગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આરોપી અલ્પેશ ભીમજીભાઈ નિંજાર, રહે. પ્લોટ નંબર ૨૨૯, સેક્ટર-૭, ગાંધીધામ, (જે કિડાણા મેડિકલ એન્ડ જનરલ સ્ટોરનો સંચાલક છે) વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેની પાસેથી ૪૯૦ નંગ નશાકારક કોડીન સીરપ (Codeine Syrup) ની બોટલો કબ્જે કરવામાં આવી છે, જેની કિંમત ₹૯૫,૫૫૦/- અંદાજવામાં આવી છે.
આ ઉપરાંત, ઈ-સિગારેટ અંગે પણ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી મહેશકુમાર નારણદાસ મંગનાણી (ઉ.વ. ૪૯, રહે. ગુરુકુળ, ગાંધીધામ) પાસેથી ૧૪ નંગ ઈ-સિગારેટ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત ₹૧૬,૮૦૦/- છે.
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી નશાકારક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરતા દુકાનદારો અને વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નશાના દૂષણને કોઈ પણ ભોગે સાંખી લેવામાં નહીં આવે અને આવા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. (તસવીરો: મુકેશ રાજગોર, રાપર)
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
