તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
ગોંડલ-રીબડા માર્ગે ભયાવહ ટ્રાફિક જામ: વાહનચાલકો ૩ કલાક અટવાયા: તંત્રની ઘોર બેદરકારી
હાઈવે હક્ક આંદોલન સમિતિ દ્વારા આવતીકાલે રાજકોટ કલેક્ટર કચેરીનો ઘેરાવ: મોટી સંખ્યામાં લોકો, આગેવાનો ઉમટી પડશે તેવો દાવો

રાજકોટ: ગોંડલ-રીબડા વચ્ચેના નેશનલ હાઈવે પર ગઈકાલે રાત્રે હજારો વાહનચાલકોને ભયાવહ ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. રીબડા ટોલપ્લાઝા પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એન.એચ.એ.આઈ.) અને ટોલ સંચાલકોની અણઆવડતભરી વ્યવસ્થાને કારણે વાહનોનો પાંચ કિલોમીટરથી વધુ લાંબો કાફલો અટકી પડ્યો હતો, જેના પરિણામે વાહનચાલકોને ૩ કલાક સુધી ભૂખ્યા-તરસ્યા હાલાકી ભોગવવી પડી હતી. આ ટ્રાફિક જામમાં ઘણી એમ્બ્યુલન્સો પણ ફસાઈ જતાં દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા.
ટ્રાફિક ક્લિયર કરવાની પ્રાથમિક જવાબદારી એન.એચ.એ.આઈ. અને જિલ્લા પોલીસ વિભાગની હોવા છતાં, બંને વિભાગોએ ગંભીર બેદરકારી દાખવી હતી. લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા છતાં કોઈ સમયસર વ્યવસ્થા જોવા મળી ન હતી, જેને કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ ગંભીર સમસ્યાના સંદર્ભે સ્થાનિક તંત્ર, ખાસ કરીને કલેક્ટરશ્રી, મુકપ્રેક્ષક બની રહ્યા હોવાનો આરોપ મુકાયો છે. લોકોની પીડા પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ સર્જાયા છે.
એન.એચ.એ.આઈ.ના નિયમો મુજબ, જો ટોલપ્લાઝા પર ૩ મિનિટથી વધુ સમય વાહન અટકે તો ટોલ ફ્રી સુવિધા આપવી ફરજિયાત છે. તેમ છતાં, ગોંડલ-રીબડા માર્ગ પર વાહનચાલકોને ૩ કલાક સુધી હાલાકી ભોગવ્યા બાદ પણ ટોલ વસૂલાત યથાવત્ રહી હતી, જે સ્પષ્ટપણે નિયમોનું ઉલ્લંઘન છે.
રાજકોટ-જેતપુર હાઈવે પર છેલ્લા એક અઠવાડિયાથી લોકો, વિરોધ પક્ષો અને ઇન્ડસ્ટ્રીઝના વિવિધ સંગઠનો આ ટ્રાફિક જામ, બિસ્માર વ્યવસ્થાપન અને ટોલપ્લાઝા પરની અરાજકતા મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે અને રજૂઆતો કરી રહ્યા છે. આમ છતાં, જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે "હાઈવે હક્ક આંદોલન સમિતિ" દ્વારા આવતીકાલે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમિતિના કન્વીનર અશોકસિંહ વાઘેલા, ડો. ધરમભાઈ કામલીયા અને રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આવતીકાલે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો જીગ્નેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, ગાયત્રીબા વાઘેલા, પાલભાઈ આંબલીયા સહિત શાપર-વેરાવળના કારખાનેદારો, પ્રોફેસરો, અનેક ગામના સરપંચો, કોલેજના વિદ્યાર્થીઓ સ્વેચ્છિક રીતે જોડાવાના છે. તેમણે જાહેર જનતાને આ જનહિત આંદોલનમાં રાજકોટવાસીઓ સાથે જોડાઈને આ જટિલ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અપીલ કરી છે.
એઈમ્સ રાજકોટમાં નવજાત શિશુઓ માટે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (એન.આઈ.સી.યુ.)નો પ્રારંભ
એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં નવજાત શિશુઓ માટે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (એન.આઈ.સી.યુ.)નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે રાજકોટ અને આસપાસના વિસ્તારોના નવજાત શિશુઓની સારવારમાં એક મહત્વપૂર્ણ કદમ છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
